થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં | Gujarati

થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં

  • ઉદયન ઠક્કર
  • 01 નવેમ્બર 2026
  • favroite

થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં

પ્હાડોનાં હાડ મારા પિંડમાં ને

નાડીમાં નાનેરી નદીઓનાં નીર;

છાતીમાં બુલબુલનો માળો ને

આંગળીમાં આદિવાસીનું તીણું તીર;

રોમ મારાં ફરકે છે ઘાસમાં, 

થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં.

સૂરજનો રંગ મારાં પાંદડાં પિયે ને

પીએ માટીની ગંધ મારાં મૂળ;

અર્ધું તે અંગ મારું પીળાં પંતગિયાં ને

અર્ધું તે તમરાંનું કુળ;

થોડો અંધારે, થોડો ઉજાસમાં,

થોડી ધરતીમાં, થોડો આકાશમાં,

થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં.

- જયન્ત પાઠક

આદિમાનવ શિકારી હતો. તે કંદમૂળ-ફળ પણ વીણતો હતો. નગરવાસી થતાં પહેલાં તે જનપદનિવાસી અને તેથીય પહેલાં વનવાસી હતો. આજેય વગડો મનુષ્યના રંગસૂત્રમાં ઝૂલે છે, આજેય મનુષ્યને વાઇલ્ડ લાઇફ સફારીએ નીકળવું ગમે છે, ઉપવન ખિલવવું ગમે છે. મનુષ્યમાં પ્રકૃતિની જોડાજોડ સંસ્કૃતિ પણ છે, માટે કવિએ ‘થોડો’ શબ્દ પ્રયોજ્યો છે. હા, વગડાનો શ્વાસ છે, પણ થોડો.

કવિની કાયાનો વગડા સાથે સમાસ થયો છે. પિંડ એટલે શરીર. હાડકાં પહાડના બન્યાં છે. હાડ કઠોર હોવાને લીધે પહાડ સાથે સરખામણી સ્વાભાવિક છે, વળી હાડ-પ્હાડના શબ્દાનુપ્રાસનો લાભ લેવાયો છે. ‘નાડીમાં નાનેરી નદીઓનાં નીર’ - વર્ણસગાઈ આ પંક્તિને કર્ણમંજુલ કરે છે. મોટી નદીઓને કાંઠે નગરો વસે, વગડાની નદીઓ તો નાની હોય. વળી નાડીમાં વહી શકનાર નદી તો નાનેરી જ હોય. નસનસમાં નદી વહે છે માટે વગડાનું સ્મરણ એક-ધારું હશે. પંખી તો ઘણાંય હોય, પણ બુલબુલનું ગાન વહેતા જળ જેવું સંભળાય, દીઠે રંગબેરંગી અને સ્વભાવે ચંચળ. મનમાં વસી જાય તેવાં, છાતીમાં માળો બનાવે તેવાં. આમેય ફેફસાંનો આકાર માળા જેવો હોય. કૃષ્ણને લાગેલા વ્યાધના તીરને સ્મરીને કવિ પોતાની આંગળીએ આદિવાસીનું તીર લાગ્યું એમ કહે છે. શરીર પરનાં રોમેરોમની સરખામણી કવિ (અગાઉ પ્રહ્લાદ પારેખે કરી હતી તેમ) ઘાસ સાથે કરે છે. આમ તનથી તેમ જ મનથી વગડા સાથે ઓળઘોળ થઈ ગયા છે.

બીજા અંતરામાં કવિ પોતાની તુલના વૃક્ષ સાથે કરે છે. પાંદડાં જળ અને અંગારવાયુમાંથી ગ્લુકોઝ બનાવતાં હોય છે, જે પ્રક્રિયા(ફોટોસિન્થેસિસ)માં સૂર્યપ્રકાશ ઉદ્દીપકની ભૂમિકા ભજવે છે. મૂળ થકી ધરતી સાથે સંધાયેલું વૃક્ષ પાંદડાં થકી આકાશ સાથે જોડાય છે. માટે કવિ કહે છે ‘થોડો ધરતીમાં, થોડો આકાશમાં.’ દિવસે વૃક્ષની આસપાસ પતંગિયાં ઊડતાં હોય અને રાતે તમરાં બોલતાં હોય, માટે કવિ ગાય છે ‘થોડો અંધારે, થોડો ઉજાસમાં.’

એક ક્ષણની અનુભૂતિથી રચાય તે ઊર્મિકાવ્ય. (લિરિક.) આ ગીતમાં જયન્ત પાઠકનો ઉત્કટ પ્રકૃતિપ્રેમ વિવિધ રૂપકો (મેટાફર) અને કલ્પનો (ઇમેજ) દ્વારા વ્યક્ત થયો છે.

- ઉદયન ઠક્કર



લોકપ્રિય બ્લોગ્સ

વાઇબ્સ, વેલ્યુઝ અને પવિત્ર બંધન એટલે ભાઈબીજ

વાઇબ્સ, વેલ્યુઝ અને પવિત્ર બંધન એટલે ભાઈબીજઆગળ વાંચો

સાલ મુબારક કે નૂતન વર્ષાભિનંદન?

સાલ મુબારક કે નૂતન વર્ષાભિનંદન?આગળ વાંચો