સાલ મુબારક કે નૂતન વર્ષાભિનંદન? | Gujarati

સાલ મુબારક કે નૂતન વર્ષાભિનંદન?

  • મેહુલ મંગુબહેન
  • 04 નવેમ્બર 2026
  • favroite

દિવાળી ગઈ. ગત વરસનું સરવૈયું ક્યાંથી શરૂ કરીશું?


સાલ મુબારક રાખીએ કે નૂતન વર્ષાભિનંદન? કે પછી જૂનવાણી ટેવ પ્રમાણે નવા વરસના રામ રામ...જૈસી કૃષ્ણ?


મને લાગે છે આપણે આ જ સવાલથી સરવૈયું માંડવું જોઈએ. દિવાળી ઇકોફ્રેન્ડલી બની રહી છે. નવી પેઢીને ફટાકડાંમાં રસ નથી પણ વાત કરવામાં રસ છે. નૂતન વર્ષાભિનંદનનો અર્થ તેને ખબર નથી, સાલ મુબારક સહેજ સમજાય છે; પણ હૈયે-હોઠે તો ‘હેપ્પી ન્યૂ યર’ જ છે. જૂની પેઢી યાને મારી ઉંમરના અર્ધા-આખા ડોસલા-ડોસીઓ જેમની અર્ધી સદી હેતથી રામ-રામ કે સીતા-રામ કહેતાં વીતી ગઈ છે એ સાંઠે બુદ્ધિ નાઠીને વાંકે હવે વૉટ્સેપમાં નૂતન વર્ષાભિનંદન પાઠવે છે અને કોઈ સાલ મુબારક કહે તો ભદ્રંભદ્ર પેઠે નાક ચઢાવે છે. જે સવાલથી વાતની શરૂઆત કરી તે મુરખ સેન્ડવીચ જનરેશનનો મુદ્દો છે.


હું પ્રાથમિકમાં ભણતો ત્યારે મારા ક્લાસમાં ત્રણ એન્થોની હતા. ત્રણ પૈકી એક મારો પાકો દોસ્તાર અને તે દર બેસતે વરસે ઘરે આવે જ. હું ‘સાલ મુબારક’ કહું, એ સામે ‘સાલ મુબારક’ કહે અને મમ્મી ‘જૈસી કૃષ્ણ’ કહી આશીર્વાદ આપે. અમુક અક્કલમઠા લોકો 2026ને નોરતે હજી હમણાં સુધી ગરબામાં વિધર્મીને પ્રવેશ નહીં એવી નઠારી વાતો કરે છે એમને કેમ સમજાવવું કે અમ મજૂરોની વસતિમાં નવરાત્રિ અને નાતાલ બેઉમાં ગરબા થતાં. હજીયે થાય છે. સ્કૂલમાં સૌથી મીઠે સૂરે પ્રાર્થના ગાનારી છોકરી ખ્રિસ્તી હતી. બાબુ કેરોસીનવાળો મુસલમાન હતો, કેરોસીનમાં લૂંટતો પણ ગરબામાં ફાળો આપતો. આજે કાજુ-કતરીમાં નથી વર્તાતું તે વ્હાલ ગોળ-ધાણામાં ઊભરાતું હતું, પણ આપણે તહેવારોમાં તિરાડ પાડી છે. આખું વરસ ગમે તેની સાથે ગમે તેવું બાઝવા-બોલવાંનું થયું હોય પણ નવા વરસે કોને ઘરે જવાનું અને કોને ઘરે નહીં જવાનું એવી ચર્ચા કદી થતી નહોતી. સીધો ને સરળ નિયમ. નવે વરસે સૌને મળવું, સૌને હેતથી બોલાવવા. ન બોલે તેને પણ બોલાવવા. સાલ મુબારક મતલબ વહાલ મુબારક.


વૉટ્સેપની સગવડ નહોતી ત્યારે, ઢગલોબંધ દિવાળી કાર્ડ લખવાના. સામે આવે એની રાહ જોવાની. કશું જ આજની જેમ ઇનસ્ટન્ટ નહીં; પણ સમજણ સો ટચની ઇનસ્ટન્ટ. પપ્પા ભજનમાં ગાતા, ‘સાંઈ ઇતના દિજિયે જામે કુટુંબ સમાય, મૈં ભી ભૂખા ન રહું, સાધુ ન ભૂખા જાય.’ ભારતીય દર્શનશાસ્ત્રનું સિમ્પલ એકાક્ષરી જ્ઞાન પેઢી-દર-પેઢી સાલ મુબારક, નવા વરસના રામ રામ, જૈસી કૃષ્ણ, સીતા-રામ, ઉત્તર ભારતમાં રાધે-રાધે, દુઆ-સલામ થકી પેઢી-દર-પેઢી પહોંચી જતું હતું એમાં ડખો પડી ગયો છે. વરસનું કે અમુક વરસોનું સરવૈયું કાઢીએ તો વહાલ માઇનસમાં છે અને નફરત-અવગણના પ્લસમાં. બોલાશ માઇનસમાં અને ભાષાચયન પ્લસમાં. આવકારો માઇનસમાં અને જાકારો પ્લસમાં, મારું-દેશનું ભલે લાખ રૂપિયાનું નુકસાન થાય પણ ફલાણાને ફદિયું ન મળવું જોઈએ એવી વાહિયાત સમજણ તો સરપ્લસ બની રહી છે. નવી પેઢી યાને આપણી ઝેન-જી વગેરે ‘હેપ્પી ન્યૂ યર’ કરી સઘળું સરભર કરવા માગે છે; પણ ઓલ્ડ જનરેશનને આ લેખનો જે સવાલ છે એ ચૂંથવામાં રસ છે. આવો, સ્વામી આનંદે આપણી પોતીકી ગુજરાતમાં ઉતારેલો ટીંબાનો ઉપદેશ યાદ કરીએ :


“સાજનો! તમે ધરતીનુ લૂણ છો. તમારી મીઠાશ છોડશો મા કાં કે તમારી મીઠાશ જાશે તે દિ’ પર્થમી પરલે જાશે. તમે ડુંગરના દીવા છો. પર્થમી આખીમાં અજવાળાં પાથરજો, પોથીપંડ્યાવથી સરસા ઠરજો. એવા ઈ તો જૂનાં શાસ્તર કાઢીને સંભળાવે છે, ‘જીવ હંસા કરજો મા’ પણ હું તમને કહું છું. જી ઈના ભાર્યું હર્યે વઢવેડ કરશે, ને જી ઈના પાડોશીને વાંકો દવલો કૅ’શે, ઈ નરકેં જાશે.”


“સંતો! એક કાન કાપવાવાળાના બેવ કાપી લેવાનું ને બે દાંત પાડનારાના બત્રીશેય પાડવાનું તો મૉયલા કે’તા જ આવ્યા છે, પણ હું કહું છું તમે ભૂંડા હાર્યે ભૂંડા થાજો મા. ને કોય તમને જમણે ગાલેં અડબૉત મારે તો ડાબો ઈની આગળ ધરજો, તમારી બંડી લેવા કરે તીને ભેળું અંગરખુંય આલજો. ને તમને ખેતરવા હાર્યે હાલવા કે તીના સાટુ થઈને તમે ગાવ ભોં હાલજો.”


“સંતો! એવી ઈ નીતિ ને શાસ્તર જાણવાવાળા વેદવાન તો તમને વા’લા-વૅરી ને હેતુ-દશમન કરવાનું શિખવાડશે. પણ હું તમને કઉં છું. તમે વૅરીને વા’લો કરજો. ગાળ દે તીને ખમ્મા કે’જો. ને તમારી ખેંધે પડે તીના ભલા સાટુ થઈ રામધણીને વીનવજો”


સાલ મુબારક!
વહાલ મુબારક!

લોકપ્રિય બ્લોગ્સ

વાઇબ્સ, વેલ્યુઝ અને પવિત્ર બંધન એટલે ભાઈબીજ

વાઇબ્સ, વેલ્યુઝ અને પવિત્ર બંધન એટલે ભાઈબીજઆગળ વાંચો

થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં

થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાંઆગળ વાંચો