થિયેટરોમાં ફરીથી ગુંજી રહ્યું છે, ‘જાગ રે માલણ જાગ...’ | Gujarati

થિયેટરોમાં ફરીથી ગુંજી રહ્યું છે, ‘જાગ રે માલણ જાગ...’

  • વિપુલ શિંગાળા
  • 02 નવેમ્બર 2026
  • favroite

ફિલ્મો રી-રિલીઝ થવાનો ટ્રેન્ડ હમણાં જોરશોરમાં છે. ઘણી હિન્દી, અંગ્રેજી અને ગુજરાતી ફિલ્મો પાછી થિયેટરમાં રિલીઝ થઈ રહી છે. હજુ હમણાં જ નવરાત્રીમાં આપણે ‘જાગ રે માલણ જાગ...’ અને ‘ઓઢણી ઓઢું ઓઢું ને ઊડી જાય...’ ગીતો પર ગરબા કરી લીધા. આ બંને ગીતો છે ‘મેરુ-માલણ’ ફિલ્મના; જે દિવાળી પર રી-રિલીઝ થઈ છે.

થોડા સમય પહેલાં જ જસવંત ગાંગાણીની ફિલ્મ ‘મેં તો પાલવડે બાંધી પ્રીત’ આધુનિક 4K ટેક્નોલોજી સાથે 21 વર્ષ બાદ રી-રિલીઝ થઈ હતી. એવી જ રીતે 1985માં રિલીઝ થયેલી ગુજરાતીના સુપરસ્ટાર્સ નરેશ કનોડિયા અને સ્નેહલતા સ્ટારર ફિલ્મ ‘મેરુ માલણ’ 6 નવેમ્બર, 2026થી ફરી સિનેમાઘરોમાં આવી ગઈ છે.

ફિલ્મમાં નરેશ કનોડિયા, સ્નેહલતા, ફિરોઝ ઇરાની, રમેશ મહેતાએ પોતાની એક્ટિંગથી તમામ પાત્રોને જીવંત કરી દીધા હતા. ફિલ્મમાં હિતુ કનોડિયાએ બાળ કલાકાર તરીકેની ભૂમિકા ભજવી હતી. ફિલ્મનું ડિરેક્શન મેહુલકુમારે કર્યું હતું. આ ફિલ્મમાં ‘તું મારો મેરુ, તું મારી માલણ...’, ‘ઓઢણી ઓઢું ઓઢુંને ઊડી જાય...’, ‘જાગ રે માલણ જાગ...’, ‘હો રુપ રસિલા છોરા...’ જેવા કાંતિ અશોકે લખેલા ગીતોને અલ્કા યાજ્ઞિક, ઉષા મંગેશકર, પ્રફુલ દવે, વિરાજ ઉપાધ્યાય અને મંજુર હુસેને પોતાના અવાજથી, તો મહેશ-નરેશની જોડીએ પોતાના સંગીતથી ખૂબ લોકપ્રિય બનાવી દીધા હતા.

આ ફિલ્મ 1985માં જ્યારે રિલીઝ થઈ હતી ત્યારે આજના જમાના પ્રમાણે જોઈએ તો 100 કરોડથી વધારેની કમાણી કરી હતી. 40 વર્ષ બાદ ફરી 'મેરુ માલણ' થિયેટરોમાં આવી છે તો નવી પેઢી એટલે કે ઝેન-Zને ગુજરાતી સિનેમાની હિટ ફિલ્મ માણવાની તક મળી છે, તો સાથે સાથે જૂના દર્શકો માટે આ રી-રિલીઝ માત્ર ફિલ્મ જોવાનો નહીં, પરંતુ પોતાની જૂની યાદો ફરી તાજી કરવાનો પ્રસંગ બન્યો છે. તો શું તમે પ્લાન કરી રહ્યા છો તમારા પરિવાર સાથે 'મેરુ માલણ' જોવાનો?



સંબંધિત વિષયો

લોકપ્રિય બ્લોગ્સ

થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં

થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાંઆગળ વાંચો

સાલ મુબારક કે નૂતન વર્ષાભિનંદન?

સાલ મુબારક કે નૂતન વર્ષાભિનંદન?આગળ વાંચો