રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોઝાકળ પર ગીત
ઘાસ અને છોડ વૃક્ષના
પાંદડાંઓ પર બાઝતા પાણીના ટીપાં. દિવસભરના તાપથી તપેલ વાતાવરણ રાત પડતાં ઠંડુ પડે છે ત્યારે વાતાવરણમાં રહેલી ગરમી પૃથ્વી પરની સપાટી પર ઠરે છે અને એનાથી આ જળબિંદુઓ રચાય છે. અન્ય પદાર્થો પરથી એ શોષાય જાય છે પણ ઘાસ અને પાંદડાંઓ પર ટકી જાય છે માટે સવારે નજરે ચઢે છે. ઝાકળ કુદરતની દેન છે. એની ભીનાશ અને અને ટીપાઓનું સ્વરૂપ નયનરમ્ય અને મનભાવન છે, માટે સાહિત્યમાં એનું સ્થાન આરક્ષિત છે. કવિઓ ઝાકળમાં વિતેલી રાતનું એક રંગીન અતીત જુએ છે અને કાવ્યમાં ઝાકળને પરોવવા વિવશ થઈ જાય છે. કવિ જયંત ડાંગોદરા લખે છે : ઝીલવો’તો એક પળ બસ સૂર્યને, ફક્ત આવા કારણે ઝાકળ થયો. મનોજ ખંડેરિયાનો શેર છે : કૈં ઝળહળ ઝળહળ જેવું છે, દરવાજો ખોલ આ મરવું ઝાકળ જેવું છે, દરવાજો ખોલ અને આદિલ મન્સૂરી કહે છે : એક ઝાકળ બુંદ સુરજને બુઝાવી જાય છે આંસુનું ટીપું સકલ સૃષ્ટિ વહાવી જાય છે વાર્તા-નવલકથામાં પણ લેખકો સવારના વર્ણનમાં ઝાકળને વણતા પોતાને રોકી નથી શકતા. ગોવર્ધનરામ ત્રિપાઠીની ‘સરસ્વતીચંદ્ર’ નવલકથામાં નવીનચંદ્રની છબી કુમુદના હાથે ચડતાં કુમુદના જાગતા મનોભાવમાં જુઓ ઝાકળ કઈ રીતે આવે છે : "... તેને ઠપકો દેતી હોય; તેના ઉ૫૨ ક્રોધ કરતી હોય; હજી પોતે તેની જ પત્ની હોય તેમ તેના ૫૨ પ્રભુતા દર્શાવતી હોય તેમ કુમુદસુંદરીની દૃષ્ટિ છબિ જોતી જોતી અનેકધા વહી. ત્યાગ કર્યા પછી ઘણે વર્ષે રામને જોતી સીતાનું હૃદય થયું હતું તેવું જ અત્યારે થયેલું આનું હૃદય, ઉપરાઉપરી નખાતા નિઃશ્વાસમાં, પળે પળે સ્ફુરતી અને ભાગતી ભૃકુટિમાં છબિને તરૂપ માની જીવમાં જીવ આવ્યો જણવતા ઉચ્છ્વાસમાં, વચ્ચે વચ્ચે મલકાઈ જતા મુખમાં, સરસ્વતીચંદ્રની વર્તમાન અવસ્થા સાંભરી આવતાં ખિન્ન થઈ સંકોચ પામી ઝાકળ જેવા અશ્રુપટલથી ઢંકાઈ જતા નેત્રકમલમાં અને ક્ષણે ક્ષણે ધડકતા સ્તનપુટ પર મુકાઈ ચંપાઈ જતી હસ્તસથલીમાં – મૂર્તિમાન થતું. “કુમુદસુંદરી ! [ગોવર્ધન રામ ત્રિપાઠી/ સરસ્વતીચંદ્ર ભાગ ૧/રાત્રિસંસાર : જવેનિકાનું છેદન અને વિશુદ્ધિનું શોધન] ભોળાભાઈ પટેલ એમના નિબંધમાં નોંધે છે: “થોડા દિવસો પછી રજાઓ આવવાની છે અને સુખી પ્રકૃતિપ્રેમી લોકો દૂરસુદૂરનાં પર્યટક-સ્થળોએ જવા ટિકિટો આરક્ષિત કરાવવા લાગી ગયા છે, પણ ઘરઆંગણાના સૌન્દર્યદર્શન માટે એમાંથી ઘણા પાસે આંખો નથી. શાળાના આચાર્ય કે અધ્યાપકો પણ દૂરના પ્રવાસો ગોઠવશે, એય તે ખોટું નથી, પણ વિદ્યાર્થીઓને લઈને જરા થોડાં નજીકનાં સ્થળોએ તો નીકળી પડવું જોઈએ. ઝાકળભીની સવારો અપૂર્વ ચૈતન્યનો સ્પર્શ કરાવી રહેશે.[ભોળાભાઈ પટેલ / ચૈતર ચમકે ચાંદની : અંબાજીના માર્ગે] “ આમ ઝાકળ એ ઝાકળ તરીકે પણ અને અનેક કલ્પનોના આધાર તરીકે સાહિત્યમાં પ્રયોજાય છે.