Famous Gujarati Geet on Tatvagyan | RekhtaGujarati

તત્વજ્ઞાન પર ગીત

સૃષ્ટિનું સર્જન અને

ઉદ્દેશ્ય. અસ્તિત્વનું કારણ અને સાર્થકતા – આ બંનેને સમજવાના પ્રયત્નોના જવાબમાં મળેલું જ્ઞાન. જેમ જેમ ઈશ્વરના અસ્તિત્વ બાબત શંકાઓ વધતી ગઈ તેમ તેમ તત્ત્વજ્ઞાનનું સ્વરૂપ બદલાતું ગયું. અન્યથા એ પૂર્વે આ સૃષ્ટિ અને સજીવોનું સર્જન ઈશ્વરે કર્યું છે અને ઈશ્વરે આ સર્જન સહાય ઉદ્દેશ્યથી કર્યું છે એની ધારણાને કેન્દ્રમાં રાખી બનેલા સિદ્ધાંતો તત્ત્વજ્ઞાન ગણાતા હતા. ગુજરાતી સાહિત્યના મધ્યકાલીન યુગની ભક્તિ રચનાઓમાં ઈશ્વરની સ્તુતિ ઉપરાંત તત્ત્વજ્ઞાનને સમજવા – સમજાવવાનો પણ પ્રયાસ થયો છે. કેટલાક ઉદાહરણ : સમજણ કાનો માતરા રે, માયા ઉપર શૂન્ય; તેમાં પરિપૂરણ બ્રહ્મ છે રે, ત્યાંહાં નહિ પાપ ને પુન્ય. (કવિ અખો) * કોને કહું ને કોણ સાંભળશે? અગમ ખેલ અપાર, અગમ કેરી ગમ નહીં રે, વાણી ન પહોંચે વિસ્તાર; એક દેશ એવો રે બુદ્ધિ થાકી રહે તહીં. તરણા-ઓથે ડુંગર રે, ડુંગર કોઈ દેખે નહિં, (ધીરો) * ભાઈ રે! જાણ્યા જેવી આ તો અજાણ છે પાનબાઈ! આ તો અધૂરિયાને નો કે’વાય, આ ગુપતરસનો ખેલ છે અટપટો, આંટી મેલો તો પુરણ સમજાય. (ગંગાસતી) * ઈશ્વર સમ્મિલિત તત્ત્વજ્ઞાન હવે ધાર્મિક તત્ત્વજ્ઞાન ગણાય છે અને ઈશ્વરની સામેલગીરી સિવાય ઉક્ત વિષયોને સમજવાની પ્રક્રિયાથી તારવેલું ચિંતન જુદું તત્ત્વજ્ઞાન છે. સાહિત્ય અને તત્ત્વજ્ઞાનનો પરોક્ષ પણ ઊંડો સંબંધ છે. સાહિત્ય કે કળા સંવેદના અને અનુભૂતિની અભિવ્યક્તિ છે. સંવેદનશીલ વ્યક્તિ સૃષ્ટિ અને અસ્તિત્વના કારણ પ્રતિ ઉદાસીન રહી શકે નહીં. સાહિત્યકાર જ્યારે કોઈ પણ કૃતિ રચે ત્યારે સુખ અને દુઃખના સંદર્ભોમાંથી એણે પસાર થવાનું હોય છે, માટે આખરે આ તંત્ર કોણ ચલાવે છે એ પ્રશ્ન સાહિત્યકાર સામે આવે જ. ઓગણીસમી સદીની ફિલૉસૉફી ઈશ્વરકેન્દ્રી ના રહીને વ્યક્તિકેન્દ્રી અને માનસશાસ્ત્રને સાંકળતા સ્વરૂપની રહી છે. ફિલૉસૉફર જ્યાં પૉલ સાર્ત્રની અસ્તિત્વવાદી ફિલૉસૉફી અને આલ્બેર કામુની વૈશ્વિક સ્તરે અસરદાર નવલકથા ‘આઉટસાઇડર’માં વ્યક્તિવાદી સંકલ્પનાઓનું નૈકટ્ય જોઈ શકાય છે. વ્યક્તિવાદી ફિલસૂફીને સમર્થન આપતી અન્ય એક નવલકથા એન રેન્ડ લિખિત ‘ફાઉન્ટન હેડ’ છે જે ચલણી માન્યતાઓ અને દૃષ્ટિકોણને કોરાણે મૂકી ભૌતિકવાદી વાતાવરણમાં પોતાની શરતે અથવા પોતાની ફિલૉસૉફીએ જીવતા અને જીતતા પાત્રની વાત કહે છે. રિચાર્ડ બાચ લિખિત ‘જોનાથન લિવિંગસ્ટન સીગલ’ વૈયક્તિક સ્પષ્ટતાને અધોરેખિત કરતી અન્ય એક મહત્ત્વપૂર્ણ લઘુનવલ છે. ગુજરાતી કાવ્યોમાં મકરંદ દવે, ઉમાશંકર જોશી, રાજેન્દ્ર શુક્લ, મરીઝ, સુરેશ જોશી જેવા કવિઓની રચનાઓમાં તત્ત્વજ્ઞાનના પ્રત્યક્ષ કે પરોક્ષ ઉદાહરણ મળે છે. ગદ્યમાં મધુ રાય અને કિશોર જાદવે માનવમનમાં ફિલૉસૉફિકલ ડૂબકીઓ લીધી છે એમ કહી શકાય.

.....વધુ વાંચો