Famous Gujarati Children Poem on Tahuko | RekhtaGujarati

ટહુકો પર બાળકાવ્ય

પંખીનો સ્વર. આ સ્વર

એટલો કર્ણપ્રિય અને મીઠો હોય છે કે જ્યારે કોઈ મીઠાશ સાથે સહમત થાય ત્યારે તેને ‘ટહુક્યા’નું વિશેષણ અપાય છે. સાહિત્યમાં પંખીના ટહુકાઓ પ્રિયજનના સ્વર સાથે, પ્રણયની વિગત સાથે મુકાય છે જ અને કોઈ મીઠો હોંકારો પૂરે એ માટે પણ વપરાય છે. અનિલ જોશી જ્યારે કવિતામાં કહે છે કે અમે બરફનાં પંખી રે ભાઈ, ટહુકે ટહુકે પીગળ્યાં. લૂમાં તરતો ઘોર ઊનાળો અમે ઉઘાડે ડિલે, ઓગળતી કાયાના ટીપાં કમળપાંદડી ઝીલે, (અનિલ જોશી) ત્યારે તેઓ ‘ટહુકવું’નો સાવ જુદો અર્થસંદર્ભ રચે છે. અહીં ટહુકવું ઓગળવના અર્થમાં, ખપી જવાના અર્થમાં છે જે જુદો જ દૃષ્ટિકોણ છે. જ્યારે ‘મોર ટહુકે’ કાવ્યમાં પ્રજારામ રાવળ વરસાદની એંધાણી તરીકે ટહુકાને જુએ છે : હે આવ, ભરી સઘળુંય ગગન, લઈ સ્નિગ્ધ ગંભીર મીઠાં ગર્જન, ને તુજ કેવલ અમીનાં વર્ષણ, અયિ પંડિત મૌનની ભાષાના! ઘન ગગડે દૂર ગગન મહીં, ને મોર ટહુકે આશાના! (પ્રજારામ રાવળ) અને ચુનીલાલ મડિયાની વાર્તામાં કોયલનો ટહુકો સાવ જ જુદા સ્વરમાં છે : “...ચૈતર મહિને જ્યારે ખેતરે જતા રસ્તા ઉપરના આંબાવાડિયાના આંબા લંબઝૂબ શાખો વડે લચી પડતા હતા અને કોયલોએ બાર બાર મહિનાનાં રખોપાં કર્યાં છતાં મહોર મોર્યાં ટાણે જ દાઢ આવી હોવા બદલ ‘કુ... ઉ... ઉ... કુ... ઉ... ઉ’ના દર્દભરપૂર ફરિયાદ-ટહૌકા ગાવા માંડ્યા હતા ત્યારે નમતે પહોરે નેણશી ભગત માટે અમલનું અફીણ લેવા નીકળેલ સંતીથી આપમેળે જ ગવાઈ ગયું :..” [ચુનીલાલ મડિયા/ વાની મારી કોયલ] અહીં સાવ કરુણ પાર્શ્વભૂની વાત છે. આમ દરેક સર્જક સ્થિતિ અને સંદર્ભ પ્રમાણે અર્થવિસ્તાર સાથે શબ્દનો ઉપયોગ કરતાં હોય છે.

.....વધુ વાંચો