પુત્રપ્રેમ પર હાલરડાં
સ્ત્રી પુરુષના સંબધ
વિશ્વમાં અત્યંત મહત્ત્વ ધરાવે છે અને એમાં સંલગ્ન અપેક્ષા સંતાનની પ્રાપ્તિ પણ હોય છે. સામાજિક પ્રથા અનુસાર સ્ત્રી–પુરુષના વિવાહ બાદ વિવાહ કરનારથી માંડીને પરિવાર, સમાજ સહુની અપેક્ષા હોય છે કે બાળક જન્મે અને એ બાળક છોકરો, પુત્ર પેદા થાય. એનું વિશેષ મહત્ત્વ છે, કેમકે આપણો સમાજ પૈતૃસત્તાક છે. પરિવારનો કર્તાહર્તા પુરુષ હોય એવી સમજ અને પ્રથા છે, માટે પુત્ર પ્રતિ વિશેષ ભાવ હોય છે. બીજું માનસશાસ્ત્રના સિદ્ધાંત અનુસાર પિતા પુત્રમાં પોતાના પૂરા ન થયેલા સપનાઓ આરોપીને ‘હું ન કરી શક્યો તો મારા પુત્રએ તો કર્યું’ એવો સંતોષ લેવાની વૃત્તિ ધરાવતા હોય છે. એ ઇચ્છાપૂર્તિ માટે પણ પુત્રનું મહત્ત્વ છે. ઉપરાંત, પુત્ર જે કશું પણ કરે એનાથી એના માતાપિતા, વિશેષતઃ પિતાની નામના થતી હોય છે તેથી એ મોહ પણ ઉમેરાય છે. આમ, અંગત, સામાજિક અને વ્યવહારુ કારણોસર પુત્ર તરફ માતાપિતાને વિશેષ લાગણી હોય છે. પુત્રપ્રેમને કારણે પોતાના પુત્ર અનુચિત નીતિઓ આચરતા હોવા છતાં, ક્યારેય દ્યૂતરાષ્ટ્રે એમને વાર્યા નહીં અને આખરે મહાભારત જેવું મહાયુદ્ધ થયું. પુત્રપ્રેમને કારણે જ મહાભારતના યુદ્ધમાં મજબૂતી સાથે લડી રહેલા દ્રોણને મંદ કરવા કૃષ્ણ અને પાંડવોએ એમના પુત્ર અશ્વત્થામાનું યુદ્ધમાં અવસાન થયું છે એવી ગેરસમજ પ્રસારવાની યોજના બનાવી અને દ્રોણ એનો ભોગ બની યુદ્ધમાં નબળા પડ્યા.