પરિચય પર નઝમ
ઓળખાણ, મહાવરો. સાહિત્યમાં
આ શબ્દ વિવિધ અર્થવિસ્તાર સાથે વપરાય છે. પરિચય પરથી પરિચિત, પરિચાયક અને અપરિચય જેવા રૂપ બન્યા છે. ગુજરાતી ભાષામાં પરિચય ટ્રસ્ટ દ્વારા ‘પરિચય પુસ્તિકા’ની શ્રેણી ૧૯૫૮માં વાડીલાલ ડગલી અને યશવંત દોશીએ શરૂ કરી. આ શ્રેણીમાં રોજિંદા વ્યવહારની વિવિધ પ્રવૃત્તિ અને વસ્તુઓનો સંક્ષિપ્ત પરિચય ભિન્ન લેખકો દ્વારા રહેતો. જેમકે, આ શ્રેણીના પ્રથમ બે મણકા હતા એ સમયના પીઢ પ્રસિદ્ધ પત્રકાર શ્રી રવિશંકર વિ. મહેતા લિખિત ‘વર્તમાનપત્ર કેવી રીતે તૈયાર થાય છે?’ અને એ કાળે પ્રસિદ્ધ થતાં વિચારપત્ર ‘જ્યોતિર્ધર’ના તંત્રી શ્રી ગટુભાઈ ધ્રુવ દ્વારા લિખિત ‘લગ્ન, છૂટાછેડા : વારસો.’ આ પુસ્તિકાઓના લેખકોનું વ્યવસાયવૈવિધ્ય નોંધપાત્ર છે. એમાં પ્રધાનો, સંસદનાં સભ્યો, ભૂતપૂર્વ વડા પ્રધાન, રાજદૂતો, તંત્રીઓ, પત્રકારો છે, ઉદ્યોગપતિઓ છે, ગૃહિણીઓ, વકીલો, પ્રાધ્યાપકો, ન્યાયમૂર્તિઓ, નૃત્યકારો છે અને અન્ય ક્ષેત્રના કલાકારો છે. અઢળક વિષય – અવકાશવિજ્ઞાનથી માંડીને ઉપનિષદો સુધી, ક્રિકેટથી માંડીને શતરંજ સુધી, મોતિયાથી માંડીને ઊંઘવાની કળા સુધી, પ્રસૂતિથી માંડીને વિલ કેવી રીતે બનાવવું જેવા અનેક વિષયો આ પુસ્તિકાઓમાં સંગ્રહાયેલા છે. પરિચય શબ્દ કવિતાઓમાં પણ અપરિચિત નથી. જુઓ ઉદાહરણ : ‘શકીલ’ મળજો કદી એને, નામ છે ગાલિબ, કરાવી દેશે એ તમનેય મીરની ઓળખ. (તરત હું પામી ગયો તારા હીરની ઓળખ / શકીલ કાદરી) ** નથી જોયો પ્રીતમનો મીટ માંડીને કદી ચહેરો, સખી! એકાંતની હંમેશ મેં તો લાજ રાખી છે. પરિચય એમનો પૂછીને મારી પર જુલમ ના કર. હંમેશાં એમની સામે મેં નીચી આંખ રાખી છે. (પ્રીતમની ઓળખાણ / સૈફ પાલનપુરી) ** પરિચય છે મંદિરમાં દેવોને મારો, અને મસ્જિદોમાં ખુદા ઓળખે છે. નથી મારું વ્યક્તિત્વ છાનું કોઈથી, તમારા પ્રતાપે બધા ઓળખે છે. (પરિચય છે મંદિરમાં દેવોને મારો / શૂન્ય પાલનપૂરી)