પાણી પર ભજન
પીવાનું કુદરતી પ્રવાહી,
જળ. લક્ષણામાં શૂરાતન, પોરસ, તાકાત. પાણી વગર જીવન અસંભવ છે માટે એ જીવનમાં ખૂબ અગત્યનું સ્થાન ધરાવે છે અને માટે સાહિત્યમાં પણ તેનો મહિમાગાન થયો છે. પાણી સાથે જોડાયેલ અન્ય સંદર્ભ પાણીના સ્રોત જેમકે, કૂવો, તળાવ, નદી, સાગર અને વરસાદ છે. આપણા ગીતો, કવિતાઓ પાણી અને પાણીના સ્રોતથી છલકાય છે. ગદ્યમાં ‘પાણી’ શાબ્દિક અર્થ ઉપરાંત લાક્ષણિક અર્થમાં પણ વપરાતું રહે છે. સાહિત્યિક કૃતિઓના મુખ્ય પાત્રની ‘આંખો પાણીદાર’ હોય છે જે વિશેષણ જાતવંત ઘોડા માટે પણ રૂઢ છે. કન્યાની લયયુક્ત ચાલ માટે ‘પાણીના રેલા જેવી’ની ઉપમા અપાય છે. પન્નાલાલ પટેલની વાર્તા ‘પીઠીનું પડીકું’માં નાયક અને નાયિકાની મુલાકાત નદીના વહેણમાં તણાતી નાયિકાને નાયક બચાવે છે એ ઘટનાથી થાય છે. પરેશ નાયકની નવલકથાનું શીર્ષક છે ‘જળ મને વાગ્યા કરે’ (૧૯૮૩) અને ‘જળ મને વાગ્યા કરે’ શીર્ષકનું કાવ્ય પણ ચિનુ મોદીએ લખ્યું છે.