રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોનિરર્થકતા પર ગીત
અર્થ વગરનું. નિરર્થકતા
એટલે સાર્થકતાનો અભાવ. અર્થપૂર્ણ ન હોવું. નિરર્થકતાના બે મુખ્ય પાસાંઓ છે. માનસિક અને તાત્ત્વિક. માનસિક એટલે કોઈ સ્વજન કે પ્રિય વસ્તુના વિયોગથી આવતું અનાસક્તપણું. પ્રિય વ્યક્તિ કે પ્રિય વસ્તુ વગર સઘળું અર્થ વગરનું લાગે. આ અસર મોટાભાગે હંગામી હોય છે. અન્ય પ્રિય વ્યક્તિ કે વસ્તુ મળી જતાં જે નિરર્થક લાગતું હોય એ ના લાગે એમ બને. બીજું પાસું છે તાત્ત્વિક, જેનો સંબંધ દર્શનશાસ્ત્ર સાથે છે. પ્રકૃતિ અને માનવરચિત વ્યવસ્થામાં સૌથી મોટો ફરક એ છે કે પ્રકૃતિની વ્યવસ્થામાં કશું નિરર્થક નથી હોતું. આપણને નિરર્થક લાગતી કીટક જાતિઓની પણ પર્યાવરણના સંતુલનમાં એક આગવી જવાબદારી હોય છે. ખરેખર તો પ્રકૃતિની વ્યવસ્થા એવી ક્રૂર કે જડબેસલાક છે કે નિરર્થક જીવ કે પદાર્થ ટકી જ ન શકે, એનો નિકાલ થઈ જાય. ઉદાહરણ તરીકે પ્રાગૈતિહાસિક કાળમાં સાપને પગ હતા પણ સાપ જાતિએ જમીનમાં દર બનાવી રહેવું પડે એવી પરિસ્થિતિ નિર્મિત થઈ અને સાપ સરીસૃપ વર્ગના સજીવ બન્યા પછી પગ એમના માટે નિરર્થક બની જતાં ધીમે ધીમે એ સાપના શરીરમાંથી નિર્મૂળ થઈ ગયા. માનવની ઉત્ક્રાંતિ માટે પણ એક સિદ્ધાંત અનુસાર વાનરમાંથી માણસ બનેલા જીવ જ્યારે ચાર પગે ચાલવાને બદલે બે પગ પર ઊભા થઈ ચાલવા માંડ્યા ત્યારે પૂંછડી એમના માટે નકામી બની ગઈ જે કાળક્રમે શરીરમાંથી નાબૂદ થઈ ગઈ. માનવસર્જિત વ્યવસ્થા આટલી ચોટડૂક નથી હોતી. ક્યાંક સમયનો વ્યય, ક્યાંક માનવ કલાકોનો વ્યય, ક્યાંક શ્રમનો વ્યય અને ક્યાંક સંપત્તિનો વ્યય થતો હોય છે. કળા કે સાહિત્યની વાત કરીએ તો નિરર્થક કે અર્થશૂન્યતા એ આધુનિક યુગની એક આડઅસર છે જેની સમગ્ર કળાસૃષ્ટિ પર મોટા ફલક પર અસર ઝીલાઈ છે. ‘કળામાં વિસંગતિ કે અર્થશૂન્યતા’ એ એક સ્વતંત્ર અભ્યાસ જેવો વિશદ વિષય છે. વિજ્ઞાનના આવિષ્કાર અને પ્રકૃતિના નિયમોની સમજ વધતાં સૃષ્ટિના ઘણાં રહસ્યો પરથી પદડાઓ ઉઠવા માંડ્યા અને ‘સર્વ શક્તિમાન પરમાત્મા’ની છબી તરડાવા માંડી. એવું કોઈ સર્વ શક્તિમાન અસ્તિત્વમાં છે પણ ખરું કે? – એવી શંકાઓ ઊભી થઈ અને કળામાં, ચિંતનમાં ‘નિરર્થકતા’ના બીજ રોપાયાં. જો કોઈ મહાશક્તિ હોય, સૃષ્ટિનો કોઈ સૂત્રધાર હોય તો સૃષ્ટિની જવાબદારી એની હોય પણ જો કોઈ સૂત્રધાર નહીં હોય તો આ તંત્ર કઈ રીતે ચાલે છે અને શા માટે? એવા પાયાના પ્રશ્નો ઊભા થાય અને આ પ્રશ્નોનો સંતોષકારક જવાબ ન મળતા સૃષ્ટિનું સર્જન એક ભૌતિક અકસ્માત માત્ર છે અને એનું કોઈ પ્રયોજન નથી એ સિદ્ધાંત બને જે ‘આખરે તો બધુ નિરર્થક છે’ એવા તારણ સુધી લઈ જાય. આ તારણ આધુનિક કળાના વિવિધ સ્વરૂપમાં પડઘાઈ રહ્યું છે. આ બ્રહ્માંડ અને એના પરની સૃષ્ટિનું અંતિમ ધ્યેય કે ઉદ્દેશ્ય જેવુ કશું હોય તો એ હજી કળાયું નથી. માણસ જીવે છે એના સમજાય એવા બે જ કારણ છે – એક કેમકે એણે જન્મ લીધો છે અને બીજું – કેમકે એનું મરણ નથી થયું. આ થયા સંચાલક કારણો પણ આમાં અર્થપૂર્ણ કશું નથી. આલ્બેર કામુ, કાફકા જેવા વિશ્વ સ્તરના લેખકો અને જ્યાં પૉલ સાર્ત્ર જેવા ફિલૉસૉફર આ વિશ્વને અર્થહીન ઘોષિત કરી ચૂક્યા છે. આ નિરર્થકતાના બોધમાંથી કળામાં વિસંવાદિતા(એબ્સર્ડિટી)ની વિભાવના રચાઈ છે. અને સાહિત્ય અને અન્ય કળાઓમાં એ વિષય પર કામ થયું છે, લખાણો લખાયા છે. લાભશંકર ઠાકરની ‘તડકો’ કવિતા એ શ્રેણીમાં મૂકી શકાય. શ્રીકાંત શાહ અને અન્ય ગુજરાતી કવિઓએ આ દિશામાં કામ કર્યું છે. મધુ રાય, સુરેશ જોશી, વિજય શાસ્ત્રી, ઘનશ્યામ દેસાઈ, પવનકુમાર જૈન જેવા લેખકોએ વાર્તાઓ લખી છે.