નળ-દમયંતી પર આખ્યાન
નળદમયંતિની મૂળ કથા મહાભારતનો
એક હિસ્સો છે, જેમાં કૈલાસ પર્વત પર ગયેલા અર્જુનને પાછા ફરતા મોડું થાય છે. આથી યુધિષ્ઠિર ભાઈના વિયોગથી શોકાતુર થઈ જાય છે ત્યારે બૃહદશ્વ મુનિએ યુધિષ્ઠિરનું મન બહેલાવવા નળદમયંતિની કથા કહી હતી. આ કથાને મધ્યકાલીન યુગના અનેક કવિઓએ પોતાની રીતે રજૂ કરી છે. જૈન કવિઓ, ભાલણ અને નાકર જેવા કવિઓએ નળદમયંતિની કથા પર કાવ્યો લખ્યા છે. તેમાં પ્રેમાનંદ રચિત નળાખ્યાન સૌથી વધુ પ્રસિદ્ધ છે, જે સોળમી સદીના અંતભાગમાં લખાયું હતું. પ્રેમાનંદ દ્વારા રચિત નળાખ્યાનમાં કરુણ રસ, હાસ્ય રસ અને અદ્ભુત રસનો સંગમ છે. આ કથાને એમણે પોતાની રીતે વિકસાવી એક સ્વતંત્ર કૃતિ રચી છે. નળાખ્યાનમાં સુખ, દુઃખ, સૌંદર્ય, પ્રેમ, છળ–કપટ, અતિ નાટ્યાત્મકતા, રહસ્ય, ગુપ્ત વેશ – એમ અનેક પ્રકારના રસપ્રદ તત્ત્વો છે.