નજર પર અછાંદસ
દૃષ્ટિ. જોવાની ક્રિયા.
માણસનો એકબીજા સાથે સંવાદ થાય એ કેવળ શબ્દોથી જ નથી થતો. એકબીજાને જોવાથી પણ ઘણું કહેવાઈ કે સંભળાઈ જતું હોય છે. નજરથી થતાં સંવાદોની વિશિષ્ટતા એ છે કે એના કોઈ બંધિયાર કે ચોક્કસ અર્થ નથી થતાં, કેમકે જોવું એ ચોક્કસ પરિમાણમાં થતી ક્રિયા નથી. બોલવાનું પરિમાણ શબ્દો છે અને શબ્દોના ચોક્કસ અર્થ હોય છે. નજરના અર્થ સંકુલ હોઈ શકે અને આ અર્થબાહુલ્ય સાહિત્યકારોને આકર્ષે છે. આ સિવાય નજર સાથે અન્ય ઘણી બાબત સંકળાયેલી છે જે સાહિત્ય માટે પ્રેરક છે. જેમકે, નજર ખેંચવી : ધ્યાન ખેંચવું, આકર્ષક હોવું. નજર ઘાલવી : બે અર્થ, એક હકારાત્મક – એકાગ્ર થવું અને નકારાત્મક : દાનત બગાડવી. નજર ફાટવી : સ્તબ્ધ થઈ જવું. નજરઅંદાજ : અવગણવું. નજરકેદ : કેદનો પ્રકાર જેમાં ગુનેગાર પર ચાંપતી દૃષ્ટિ રખાય. નજરચૂક : ધ્યાન બહાર રહી જવું, જોતાં ચૂકી જવું. નજરચોર : નજર ચુકાવવી, ઓઝલ થઈ જવું. નજરબંધી : સંમોહન કરવું, ભ્રમિત કરવું. નજરબાગ : ઇમારતની ચોતરફનો બાગ. નજરવેગ : નજરની ગતિએ. નજરાણું : બક્ષિસ. નજરોનજર : પ્રત્યક્ષ. નજરાવું : નજર લાગવી. નજરિયું : નજર ન લાગે એ માટે મેશનું ટપકું કરવું કે અન્ય કોઈ ઉપાય કરવો. નજરે આવવું : ધ્યાનમાં આવવું. નજરે ચડવું : નોંધવું. નજરમાં વસવું, નજરમાંથી ઉતરી જવું, નજરબંધી થઈ જવી – આ બધા જ ભિન્ન સંદર્ભ ધરાવતા શબ્દ પ્રયોગો છે અને દરેક શબ્દપ્રયોગ રોજબરોજના જીવન સંબંધિત છે. સુરેશ દલાલના લોકપ્રિય ગીતનો અંશ જુઓ : નજરુંના કાંટાની ભૂલ મારા વાલમા! વીંધે હૈયું ને તોયે ફૂલ મારા વાલમા! નજરુંના કાંટાની… રાતનો અંધાર મને લાગે છે ઊજળો, તારો તે સંગ ઉન્હે પ્હોરે જાણે પીપળો વેણુના વેણ મહીં ડૂલ મારા વાલમા! વીંધે હૈયું ને તોયે ફૂલ મારા વાલમા! નજરુંના કાંટાની… (નજરુંના કાંટાની ભૂલ / સુરેશ દલાલ)