રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોનગર પર છંદોબદ્ધ કાવ્ય
શહેર. લોકવ્યવહાર અને
સાહિત્યમાં નગર કે શહેરનું મહત્ત્વ એ છે કે એક તદ્દન જુદી જીવનરીતિ શહેરના કારણે અસ્તિત્વમાં આવી. ગ્રામ્યજીવનની એક ખાસિયત એ છે કે ગામમાં સહુ એકબીજાને ઓળખતા હોય. આથી કોઈ ઘટના છૂપી ન રહી શકે. જ્યારે શહેરની સંસ્કૃતિએ વિવિધ ગામ કે પ્રાંતના લોકોને ભેળવી નાખ્યા. ગામમાં, ફળિયામાં, કોને ત્યાં, ક્યારે, શું થયું એ સહુ જાણતા હોય અથવા જાણી જાય. એના મુકાબલે શહેરમાં પાડોશીને ત્યાં કોણ આવ્યું એ જાણવું અકળ થઈ પડે. શહેરમાં જાતિભેદથી વ્યવહાર નથી થતાં, સિવાય કે સૂક્ષ્મ વ્યવહાર કે વ્યાવસાયિક ક્ષેત્રે બહુ ઉચ્ચ કક્ષાએ જાતિગત રાજકારણ રમાતું હોય. પણ સામાન્ય વ્યવહારમાં જાતિભેદ આડે નથી આવતો જે ગામડાંઓમાં આજે પણ છદ્મવેશે અસ્તિત્વ ધરાવે છે. આથી નગરની પાર્શ્વભૂમાં લેખક કે કલાકારને પોતાની કૃતિ ખિલવવા વધુ અવકાશ મળે છે. નગરસંસ્કૃતિએ લેખન માટે સાવ નવા વિષયો આપ્યાં છે, જે ગ્રામ્યસંસ્કૃતિમાં હોઈ જ ન શકે. જેમકે : યંત્રવ્યાપને કારણે માણસોના આપસી વહેવારમાં આવેલું અંતર. ઑફિસકેન્દ્રી કથાઓ, મિશ્ર સંસ્કૃતિની પાર્શ્વભૂમિકાવાળું સાહિત્ય, વતનના ઝુરાપાનું તત્ત્વ, શહેર અને ગામ આ બે વિરોધભાસની કથાઓ. શરૂઆતના તબક્કાની નવલકથા ‘સરસ્વતીચંદ્ર’(૧૮૭૭, ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી)માં પણ નગરસંસ્કૃતિ મોજૂદ છે. મધુ રાયની હરિયા શ્રેણીની વાર્તાઓમાં હરિયો જે વિશ્વ જીવે છે એના મૂળિયાં શહેરી વિસંવાદિતામાં છે. ઝવેરચંદ મેઘાણી, રમણલાલ દેસાઈ, કનૈયાલાલ મુનશી અને ધૂમકેતુની વાર્તાઓ અને નવલકથાઓમાં પણ અવારનવાર શહેરી સંદર્ભો આવે છે. ઐતિહાસિક નવલકથાઓ નગરસંસ્કૃતિ વિના સંભવી ન શકે, કેમકે સત્તાની સાઠમારી એ ઐતિહાસિક કથાવસ્તુનું બીજ હોય છે અને નગરોમાં સત્તા પ્રભાવપૂર્ણ સ્વરૂપમાં હોય છે.