જીવન પર મુક્તપદ્ય
સૃષ્ટિનું રહસ્ય અને
અર્થ જીવનમાં જ છૂપાયેલા છે. ગાલિબનો શેર છે : કુછ ન થા તો ખુદા થા, ન કુછ હોતા તો ખુદા હોતા ડૂબોયા મુઝે હોને ને, ગર મૈં ન હોતા તો કયા હોતા? હોવું. અસ્તિત્વ. સૃષ્ટિ પરના દરેક જીવની પ્રથમ અને સાતત્યપૂર્ણ રહેતી ભાવના છે : ટકી રહેવું. ટકી રહેવું એટલે જીવવું. કોઈ પણ સંસ્કાર-સભ્યતા વિનાનો જંગલી આદિમાનવ ‘જીવી જવા’ માટે જ સુસંસ્કૃત બન્યો. માણસના જીવનની દરેક પ્રગતિ, દરેક શોધ, દરેક સાહસના ધ્યેયમાં જીવવું, બહેતર જીવવું અને વધુ અનુકૂળતાએ જીવવું છે. સાહિત્ય એટલે કળાનો એક પ્રકાર અને કળા એ જીવવા માટેની મથામણનું એક પાસું છે. કળા અભિવ્યક્તિની જરૂરિયાતમાંથી સર્જાયેલ વિભાવના છે. સૃષ્ટિના અન્ય જીવ કરતાં માણસ જુદો પડે છે તે બે મુખ્ય કારણોથી. એક તો માણસ વિચારી શકે છે અને બીજું માણસ સંવેદના અનુભવે છે. વિચાર અને સંવેદનના મિશ્રણનું એક પરિણામ કળા છે અને સૃષ્ટિમાં માનવસર્જિત જે કશું પણ છે એ ઉક્ત મિશ્રણના પ્રતાપે છે. માણસે તર્ક અને સંવેદનાથી જીવન એવું ગૂંચવી માર્યું છે કે એણે ક્યારેક પોતાની વાત મૂકવા પરોક્ષપણે રજૂઆત કરવી પડે છે. સીધી રજૂઆતથી વાત રજૂ કરનાર ગુન્હેગાર બની જાય કે અળખામણું બની જાય કે પછી અન્ય અનેક પ્રકારની મુશ્કેલીમાં મુકાય જાય એવું બની શકે. વળી વાત યથાવત્ રજૂ કરવી એ કંટાળાજનક અને રસહીન પ્રક્રિયા છે અને તેથી અનાકર્ષક છે. એ ઉપરાંત કલાના ઉદ્દીપનમાં અન્ય મહત્ત્વનું કારણ છે તર્ક અને અભિવ્યક્તિના માધ્યમોની પકડમાં ન આવતી અનુભૂતિઓ. આવી અનુભૂતિઓને કઈ રીતે વ્યક્ત કરવી? આ બે કારણોમાં કળાના મૂળિયાં છે અને અભિવ્યક્તિ જીવન માટે આવશ્યક છે. બીજા શબ્દોમાં સમગ્ર વિશ્વમાં માણસ જે પણ કંઈ કરે છે – વ્યવહાર ક્ષેત્રે કે કળા ક્ષેત્રે એનું કારણ જીવન જ છે.