Famous Gujarati Laghukavya on Jahaaj | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

જહાજ પર લઘુકાવ્ય

વહાણ. પાણીમાં ચાલતું

મોટું વાહન જે મોટી સંખ્યામાં લોકો અને સામાનની હેરફેર કરી શકે. સાહિત્યમાં જહાજ વ્યવસાય માટે વિશેષણમાં વપરાય છે, કેમકે એક કાળે મોટા વ્યવસાય કરનાર દરિયાઈ જહાજ પર આધાર રાખતા. કેમકે એ સમયે પરદેશથી માલની હેરફેર માટે અન્ય કોઈ વાહન નહોતા અને પરદેશ સાથે વ્યવસાય એટલે મોટો વ્યવસાય! આથી જહાજ મોટા વ્યવસાય માટે પર્યાયવાચી શબ્દ બની ગયો. આથી પરદેશ સાથે લેવાદેવા ન હોય પણ જો મોટો વ્યવસાય ખોટમાં જાય તો ‘એમના બારે જહાજ ડૂબી ગયા...’ જેવા વાક્યપ્રયોગ ચલણમાં છે. એનાથી વિરુદ્ધ વ્યવસાયની મહત્તા દર્શાવવા ‘એમના જહાજ તો દેશ દેશમાં ફરે છે...’ એમ વાક્યપ્રયોગ પણ વપરાય છે. માત્ર વ્યવસાય નહીં, પછી તો કોઈ મોટા કામ કે મિશન માટે પણ ‘જહાજ’ કે ‘વહાણ’ શબ્દ વપરાવા માંડ્યો. જેમકે કોઈ મોટી સંસ્થા કે જવાબદારીના મુખ્ય સંચાલકને જહાજના ‘કેપ્ટન’ તરીકે સંબોધવામાં આવે. આના મૂળમાં ‘કશુંક મોટા પાયે એટલે જહાજ’ એવી તત્કાલીન સમજ. દરિયા કે નદીના કિનારે જહાજ તૈયાર કરવાના સ્થાનને ‘જહાજવાડો’ કહેવાય છે. દરિયાઈ વાર્તાઓ અને નવલકથાઓમાં જહાજ અને જહાજની સંચાલન પદ્ધતિ વિશે વિગત હોય છે. ૧૩૫ વર્ષ અગાઉ દરિયાઈ તોફાનમાં આશરે સાડા સાતસો પ્રવાસીઓ સાથે ‘વૈતરણા’ નામનું જહાજ ખોવાઈ ગયું હતું. એ જહાજના કેપ્ટનનું નામ હાજી કાસમ હતું. પ્રસિદ્ધ લોકગીત ‘હાજી કાસમ, તારી વીજળી રે મધદરિયે વેરણ થઈ...’ આ દુર્ઘટના પ્રેરિત છે. જહાજનું નામ ‘વૈતરણા’ હતું પણ એના પર વીજળીના દીવા હતા. તેથી ‘વીજળી’ના નામે ઓળખાતું. વીજળી જહાજના ખોવાયાં પછી જામનગરના કવિ દુર્લભરાય વી. શ્યામજી ધ્રુવે ‘વિજળી વિલાપ’ નામના ગીતોનો સંગ્રહ પ્રગટ કર્યો. ભીખારામ સાવજી જોષીએ પણ આ નામનું બીજું પ્રકાશન પ્રગટ કર્યું. ઝવેરચંદ મેઘાણીએ આ પ્રકારના લોકગીતો ભેગા કરીને એક સંગ્રહ ‘રઢિયાળી રાત’ શીર્ષક હેઠળ પ્રકાશિત કર્યો. દરિયાઈ નવલકથાઓના લેખક ગુણવંતરાય આચાર્યએ ‘હાજી કાસમ તારી વીજળી’(૧૯૫૪)ના નામે નવલકથા લખી હતી. ધોરાજીના સંશોધક વાય. એમ. ચિતલવાલાએ આ દુર્ઘટનાના અભ્યાસના આધારે ‘વીજળી હાજી કાસમની’ નામનું દસ્તાવેજી પુસ્તક તૈયાર કર્યું, જે દર્શક ઇતિહાસ નિધિ દ્વારા ૨૦૧૦માં પ્રકાશિત કરવામાં આવ્યું છે.

.....વધુ વાંચો

લઘુકાવ્ય(1)