હાળીનાં નૃત્ય ગીત પર લોકગીતો
ધરમપુર—વાંસદાના વનપ્રદેશમાંથી
ધીમે ધીમે ખસી આવી અનાવિલ, કણબીની ખેતીમાં હળ ખેંચી હળપતિ કે હાળીનું ઉપનામ લેનાર આ પછાત ગણાતી દૂબળા, ધોળિયા ને નાઈકા કોમ સુરત જિલ્લાને જુદે જુદે ગામડે વસી. ખેતરમાં કે ગામને પાદરે ઝૂંપડાં બાંધી પોતાની જિંદગી ‘ધણિયામા’ ને લખી આપી તેની ખેતીમાં આખું વર્ષ કામ કરી ખાય, પોતાની પત્ની ધણિયામાને ઘેર વાસણ-વાસીદાં કરી રોટલો ને એકાદું ભૂગડું રળી ખાય ને દીકરો તેનાં ઢોર ચારે, છતાં સદીઓથી એ પ્રજાની કંગાલિયત એની એ રહી, તેમનાં ઝૂંપડાં જર્જરિત રહ્યાં, શરીર ઉપર ચીંથરાં રહ્યાં. તોયે એક ચીજ એમણે કાયમ રાખી, તે તેમનાં લોકનૃત્યો ને લોકગીતો. આ દૂબળા કોમ પાસે જે નૃત્યધન ખડકાયું પડ્યું છે એ જેટલું મૌલિક છે તેટલું જ પુરાણું પણ છે. લગ્નપ્રસંગે અને હોળી જેવા પર્વોમાં એ લોકો ખૂબ નાચે છે. ‘તૂરિયો’ તૂર વગાડે, ‘થારિયો’ થાળી ને ‘ભૂંગરિયો’ ભૂંગળ. આ ત્રણ વાજિંત્રો તો ગામનાં ગામ ગજવી મૂકે. કેડમાં હાથ ભીડી સ્ત્રી અને પુરુષનાં સામસામાં ઝૂમખાં પગના તરેહવાર ઠમકા દેતાં ને તે તે તાલમાં નૃત્યગીત લલકારતાં નાચે છે ત્યારે ધરતીનું હૈયું પણ નાચી ઊઠે છે એવાં એમનાં એ ઓજસવંતાં નૃત્યો હોય છે. નૃત્યને એ લોકો ‘ચારા’—ચાળા કહે છે. ચાળા એટલે (Gestures) અનુકરણ. એમના શિકારના પ્રાણીઓની નકલ તેઓ નૃત્યમાં ઉતારે છે. ‘સસલાચારો’, ‘ઘોચારો’, ‘હુંહવાર(મગર)ચારો’, ‘મરઘીચારો’, ‘મેડકચારો’, ‘વાંદરચારો’, ‘હાલકોકિલા(કોશીડા)ચારો’ વગેરે એમના નૃત્ય-પ્રકાર હોય છે. લગ્નટાણે તો તેઓ ગાંડાતૂર બની નાચે છે—રાતદિવસ નાચે છે. વેવાઈ-પક્ષના નાચનારા ને સામા પક્ષનો તૂરિયો એમ હરીફાઈ જામે છે અને કોણ થાકે ને કોણ હારે એ જોવા તેઓ નાચતા નાચતા કાદવમાં જાય, પછી કાંટામાં ને પછી તો કૂવાની દરોડમાં. દરોડના ઢોળાવ પર પાણી છંટાયું હોય અને નાચનાર લપસે નહિ, તૂર વગાડનાર તાલ ચૂકે નહિ એવી કપરી કસોટીમાંથી પસાર થવું પડે છે. છેલ્લે ‘ખસતી ખસતી ભીંત ભણી’ના બોલ તૂરિયો વગાડે છે ને બધા તળાવના પાણીમાં પડે છે. નાચનાર નાચતા નાચતા આગળ વધે ને તૂર—થાળીવાળા તાલ દેતા ઘૂંટણપૂર ને પછી કેડ સમા પાણીમાં નાચે છે. તે વેળા તૂર તૂરિયાના માથા પર મૂક્યું હોય છે અને ‘હો હો’ કરતાં નાચનાર અટકે નહિ ત્યાં સુધી ઊંડા ને ઊંડા પાણીમાં ઊતરતા જાય છે. આમ પાણીમાં નૃત્ય થાય એવું ભાગ્યે જ દુનિયાની સપાટી પર બીજે ક્યાંઈ હશે! એમનાં આ નૃત્યગીતો એમના જીવનની ઝાંખી કરાવે છે. એમના શોખ, વ્યસન, શિકાર, દાંપત્ય, શ્રમ ને સુખદુઃખની કહાણીની ગૂંથણીના અહીં તાણાવાણા પુરાયા છે.