રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોગુરુમહિમા પર ગીત
ગુરુ + મહિમા. ગુરુ એટલે
શિક્ષક, પથદર્શક. જ્ઞાન આપનાર. મહિમા એટલે માહાત્મ્ય. મહત્ત્વ. લોકબોલી અને સાહિત્યમાં ‘ગુરુ’ વિશેષણ માત્ર શિક્ષક માટે સીમિત નથી. અગત્યનો બોધ આપનાર કોઈ પણ વ્યક્તિને આદરથી ‘ગુરુ’ કહેવાય છે. દત્તાત્રેય નામના ઋષિએ કહ્યું હતું કે, એમના ચોવીસ ગુરુઓ છે અને એ ચોવીસ ગુરુઓ તરીકે એમણે વિવિધ વ્યક્તિ, તત્ત્વો અને પ્રાણીઓને શ્રેય આપ્યું છે. મહાભારત મહાકાવ્યનું એક મુખ્ય પાત્ર ગુરુ દ્રોણનું છે. આદિવાસી અને અત્યંત બાહોશ બાણાવળી એકલવ્ય અર્જુનથી વધુ પ્રતિભાશાળી સિદ્ધ થશે એવી ભીતિથી દ્રોણે એકલવ્ય પાસે ગુરુદક્ષિણામાં એનો અંગુઠો માંગી લીધો હતો. જેથી એ તીર કમાનનો ઉપયોગ ન કરી શકે. - સામાજિક ભેદભાવનું પ્રતિક બની ગયેલી કથા અત્યંત જાણીતી છે. ગુરુ મચ્છેન્દ્રનાથ અને એમના શિષ્ય ગોરખનાથની કથા પણ આપણી પરંપરામાં પ્રચલિત ગુરુ-શિષ્યની કથા છે. આ કથા અનુસાર ગુરુ મચ્છેન્દ્રનાથ ગુરુની ગરિમા ભૂલી સાંસારિક વૃત્તિઓમાં રત થયા હતા અને એમને એમના શિષ્ય ગોરખનાથે ટોંકીને ચેતવ્યા હતા. આ પ્રસંગને કારણે કાબેલ માણસને ટોંકવો પડે એ સ્થિતિમાં ‘ચેત મછન્દર ગોરખ આયા’ જેવો રૂઢિપ્રયોગ કહેવાય છે. દંભી ગુરુઓ પર કવિ અખાએ ખૂબ વ્યંગ્યભર્યા છપ્પાઓ લખ્યા છે. કનૈયાલાલ મુનશીનું સામાજિક નાટક ‘કાકાની શશી’માં મનહર કાકાનું પાત્ર નાયિકા શશી માટે પરોક્ષપણે ગુરુ સમાન છે. મનહર કાકા અને શશી દરમિયાન બદલાતા સંબંધના સમીકરણ માણવા યોગ્ય છે. રઘુવીર ચૌધરીની ‘એકલવ્ય’ નવલકથા શિક્ષણ વ્યવસ્થા પર કટાક્ષ છે એમાં પણ ગુરુઓના રેખાચિત્ર રજૂ થયા છે