રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોજ્ઞાન પર છંદોબદ્ધ કાવ્ય
ત્વચા, આંખ, નાક, કાન,
અને જીભ – આ પાંચ ઇન્દ્રિય થકી આપણને સૃષ્ટિના વિવિધ પદાર્થ બાબત બોધ થાય છે. આ બોધને જ્ઞાન કહી શકાય. સંસ્કૃત ज्ञा ધાતુ પરથી બનેલો 'જ્ઞાન' શબ્દ 'જાણવું' એવો અર્થ ધરાવે છે. જ્ઞાન એટલે મળેલી કે મેળવેલી માહિતી, જાણકારી, બોધ, સમજ. જ્ઞાનનો અનિવાર્ય સંબંધ વિચાર સાથે છે. કેમકે જ્ઞાનનો મુખ્ય સ્રોત વિચાર વિસ્તાર અને તર્ક છે. અલબત્ત માહિતી, હકીકત અને સ્થૂળ પદાર્થ પણ જ્ઞાનમાં મહત્ત્વના છે પણ એ દસ્તાવેજી નક્કર અને નિશ્ચિત તત્ત્વો છે એમને એકબીજા સાથે સાંકળવા વિચાર કે તર્ક અનિવાર્ય છે. બ્રહ્માંડની સજીવ સૃષ્ટિમાં જ્ઞાનને કારણે જ માનવજાતિ અન્ય સજીવો કરતાં વધુ સામર્થ્ય ધરાવે છે, કેમકે અન્ય પ્રાણીઓની સરખામણીમાં માનવમગજ વધુ વિકસિત હોવાથી જ્ઞાનનો મહત્તમ ઉપયોગ માનવ જ કરી શકે છે. અન્ય પશુ પંખીઓની વિચારશક્તિ પ્રમાણમાં ઘણી ઓછી હોવાથી જ્ઞાન મેળવી કે વાપરી શકતા નથી. ખૂબ જ્ઞાન ધરાવતા માણસને ‘જ્ઞાની’ કહે છે અને અનુભવી વૃદ્ધ માણસને ‘જ્ઞાનવૃદ્ધ.’ પરમાત્માને સમજવાના ત્રણ માર્ગ પ્રમાણિત થયા છે એ – કર્મ, ભક્તિ અને જ્ઞાન છે. જ્ઞાનના ત્રણ પ્રકાર છે : તામસિક, રાજસિક અને સાત્ત્વિક. તામસિક જ્ઞાન એટલે અજ્ઞાન, જ્ઞાનનો અભાવ અને જે જ્ઞાન સૃષ્ટિમાં ભેદ જુએ છે, અમુક શ્રેષ્ઠ અને અમુક કનિષ્ઠ, અમુક પોતાનું, અમુક અન્યનું એમ સમજ ધરાવે છે. એ જ્ઞાન રાજસિક છે. સાત્વિક જ્ઞાન એ છે જેમાં માણસ વિવિધતામાં એકતા જુએ છે. જે પણ ભિન્નતા જણાય છે એ સ્વરૂપની છે પણ મૂળતત્ત્વ એક જ છે એટલો વિવેક જેણે કેળવ્યો છે એ સાત્વિક જ્ઞાની છે. જ્ઞાત હોવું એટલે જ્ઞાન હોવું, માહિતી હોવી. વિશેષ જ્ઞાન માટે ‘વિજ્ઞાન’ શબ્દ છે. વિજ્ઞાન એટલે એક એવી શોધપદ્ધતિ કે જેમાં ભૌતિક વિશ્વ અંગે અનુભવજન્ય જ્ઞાન મેળવી, તેનું વ્યવસ્થિત વર્ગીકરણ અને પરીક્ષણ કરી, કાર્ય-કારણની સમજૂતી આપતાં સ્પષ્ટીકરણો, સિદ્ધાંતો તથા આગાહીઓ વિકસાવવાનો પ્રયત્ન થાય છે. જુદી જુદી ઘટનાઓમાં દેખાતી નિયમિતતા (રેગ્યુલારિટી અથવા પેટર્ન) શોધી તેમના ખુલાસા કે સ્પષ્ટીકરણ પ્રત્યે વિશેષ ધ્યાન આપવામાં આવે છે. ‘જ્ઞાન’ સંજ્ઞાનો સાહિત્યમાં વ્યંગ્ય કે ઉપાલંભમાં વધુ ઉપયોગ થાય છે. જેમકે પ્રેમાનંદ રચિત કાવ્યમાં ઉપદેશ આપતા ગરીબ બ્રાહ્મણને એની પત્ની કહે છે : એ જ્ઞાન નથી કંઈ કામનું ઋષિરાયજી રે રુવે બાળક, લાવો અન્ન, લાગુ પાયજી રે (પ્રેમાનંદ) અમુક વાર વાતને અધોરેખિત કરવા સામાન્ય માહિતીને ‘જ્ઞાન’ તરીકે આલેખવામાં આવે છે. ઉદાહરણ તરીકે ‘અચાનક એને જ્ઞાન થયું કે એ પોતાના નહીં બલકે અજાણ્યા શહેરમાં છે!’ જેવા પ્રયોગો.