રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોદૂધ પર બાળકાવ્ય
સસ્તન વર્ગના પ્રાણીઓની
માતા નવજાત બાળકોના આહાર માટે સ્તન વાટે જે પોષણયુક્ત પ્રવાહી પીવડાવે એને ‘દૂધ’ કહે છે જે બહુધા સફેદ રંગનું હોય છે. માનવસમાજમાં માનું દૂધ નવજાત શિશુ માટે જ આરક્ષિત છે, પણ અન્ય પ્રાણીઓના દૂધ પર માનવસમાજે પોતાના સ્વાર્થ માટે અનધિકૃત રીતે અધિકાર સ્થાપિત રાખ્યો છે. લોકબોલીમાં દૂધને માતા સાથે સાંકળતી કહેવતો છે જેમકે, ‘દૂધનું કરજ’ એટલે માતાનું ઋણ. ‘દૂધ લજવ્યું’ એટલે માતાએ નીચાજોણું થાય એવું કુકર્મ કર્યું. દૂધભાઈ એટલે સમાન માતાને ધાવેલાં બાળકો જે સગા ભાઈ કે બહેન ન હોય તો પણ એક જ ધાવણના કારણે ગણાતા ભાઈ કે બહેન. એક સમયે નવજાત બાળકીઓને બોજરૂપ ગણી જન્મતા જ મારી નાખવાનો રિવાજ હતો એ ઘૃણિત ક્રિયા માટે ‘દૂધપીતી’ કરવી એવું રૂપાળું નામ હતું. તરુણાઈમાં પ્રવેશતા બાળકો માટે ‘દૂધના દાંત હજી જેના તૂટ્યા નથી..’ એવો વાક્યપ્રયોગ કે ‘દૂધમલ ચહેરો’ જેવા શબ્દપ્રયોગ છે. યુદ્ધમાં પ્રતિદ્વંદી લલકારવા ‘માનું દૂધ પીધું છે કે નહીં’ એમ આહ્વાન અપાતું હોય છે. દૂધ સફેદ હોવાથી ચાંદની માટે અને ગોરી ત્વચા માટે દૂધ જેવી એમ વિશેષણ અપાય છે. દૂધ જન્મ સાથે ગાઢપણે સંકળાયેલ પ્રવાહી છે અને જન્મ એ આ સંસારનું શાશ્વત સત્ય છે માટે લોકબોલી અને સાહિત્યમાં દૂધ અને એના સૂચિતાર્થો સહજપણે વણાયેલા છે.