દૃષ્ટિકોણ પર નઝમ
નજરિયો. નિહાળવાની, સમજવાની
રીત. લોકબોલીમાં જોવું એટલે માત્ર આંખ વડે નિરખવું એટલો અર્થ નથી, બલકે સમજવું પણ જોવું છે. ‘એક રીતે જોઈએ તો’ વાક્યપ્રયોગ વાતને સમજવા માટે બોલાય છે. અહીં જોવું એટલે સમજવું, મૂલવવું. દૃષ્ટિકોણ શબ્દનો અર્થ પણ દૃષ્ટિનો કોણ – એટલે જોવાની પદ્ધતિ, સમજવાની-મૂલવવાની રીતના અર્થમાં છે. આ વાત વધુ વિસ્તારથી સમજીએ તો ગુજરાતી ભાષામાં આંકડામાં પાંચ લખવું હોય તો ‘૫’ લખાય જે કોઈ પગલાં શબ્દના પ્રથમ અક્ષર ‘પ’ પણ વાંચી શકે – આ થયો દૃષ્ટિકોણના ફરકનો વાચ્યાર્થ. પણ ‘દૃષ્ટિ’ શબ્દ સામાન્ય રીતે સમજના અભિગમ માટે પણ વપરાય છે. આ શબ્દના મૂળમાં જોવું કઈ રીતે સામેલ છે એ સમજી લઈએ. કશુંક સમજવાની શરૂઆત ‘જોવાથી’ થાય છે. આપણે કશુંક જોઈને પારખીએ છીએ. આ બંને ક્રિયા એટલી અનિવાર્યપણે સંકળાયેલી છે કે ‘જોવું’ અને ‘સમજવું’ના અર્થસંકેત સમાન થઈ ગયા. દાખલા તરીકે વિચારક ઓશોનું એક પુસ્તક છે : ‘કૃષ્ણ મારી દૃષ્ટિએ’ અહીં ઓશોએ કૃષ્ણને કઈ રીતે સમજ્યા કે મૂલવ્યા એ જ અર્થ લાગુ પડી શકે. ઓશોએ કઈ રીતે કે કયા કોણથી કૃષ્ણને ‘જોયા’ એવો અર્થ નીકળી જ ન શકે, કેમકે કૃષ્ણ હયાત નથી જેને ‘જોઈ’ શકાય.