Famous Gujarati Free-verse on Dikri-Dikro | RekhtaGujarati

દીકરી-દીકરો પર અછાંદસ

સંતાન માત્ર સહુને પ્રિય

હોય પણ સંતાન દીકરી હોય ત્યારે એમ લાગણીનો એક જુદો ભેગ પણ ભેળવાય. દીકરીને કોઈ ગમે એટલા લાડમાં રાખવા માંગે કે એનું ધાર્યું બધુ કરવાની છૂટ આપે પણ સામાજિક નીતિનિયમો અનુસાર એક તબક્કે એ યુવાન થતાં એને પરણાવી પારકે ઘેર મોકલવી પડે જ્યાં એ દીકરીના માતાપિતા પોતાની કોઈ મમત ચલાવી ન શકે. દીકરી ને સાસરું કેવું મળે છે એના પર એના ભવિષ્યનો, એના આંનદનો આધાર રહે છે. સાસરું સહુ સારું જ શોધે પણ સારું જ હોય એની ખાતરી નથી હોતી. આ અનિશ્ચિતતા દીકરી માટે એક વિશેષ લાગણી સર્જે છે અને આપણી કવિતાઓ વાર્તાઓમાં એ પડઘાય છે. કન્યાવિદાયનું બાલમુકુન્દ દવેનું કાવ્ય ‘પીઠી ચોળી લાડકડી, ચુંદડી ઓઢી લાડકડી’ બહુ જાણીતું છે. કાંતિ પટેલના સંપાદનમાં પુત્રીના સંસ્મરણો પર વિવિધ લોકોના લેખનું ‘દીકરી મારી વ્હાલનો દરિયો’ (૨૦૧૭) પુસ્તક પ્રકાશિત થયું અને ખાસ્સું લોકપ્રિય થયું. એ પછી આ વિષયના પુસ્તકોની ભરતી આવી ગઈ હતી. દીકરી મરિયમના પત્રની રાહ જોતો ધૂમકેતુની ‘પોસ્ટઑફિસ’ વાર્તાનો અલી ડોસો અને ઈશ્વર પેટલીકરની વાર્તા ‘લોહીની સગાઈ’ના અમરત કાકી અને એમની ગાંડી દીકરી મંગુ અહીં સહેજે યાદ આવી જાય. (વધુ માહિતી માટે જુઓ : છોકરી) ટકી રહેવું એ કેવળ માણસ માત્ર માટે નહીં, પણ સજીવસૃષ્ટિ માટે પાયાની જરૂરિયાત છે. પ્રકૃતિ પણ એ રીતે વિકસે છે જેથી મહત્તમ સજીવસૃષ્ટિ જીવંત રહી શકે. મોટા વૃક્ષના પડછાયામાં ઉછરતા છોડ પણ સૂર્યપ્રકાશ મેળવવા પોતાને વૃક્ષના છાંયડાની બહારની તરફ વાળતાં જોઈ શકાય છે. કહેવાનું તાત્પર્ય સમગ્ર સજીવસૃષ્ટિ જીવનશૈલી એ રીતે વિકસાવે છે જેનાથી જીવવામાં સુગમતા રહે. આ વાતનો સીધો સંબંધ પુત્રની પ્રાપ્તિ સાથે છે. દીકરાનો જન્મ બે વાતની શક્યતા ઊભી કરે છે – એક તો પરિવારનો વંશવેલો તે આગળ વધાવી શકે, બીજું માતા પિતાને તેમના વૃદ્ધત્વના સમયમાં સાચવી શકે. આ બંને બાબતનો ‘ટકી રહેવા’ સાથે પાયાનો નાતો છે. વંશવેલા માટે પૂતનું મહત્ત્વ એટલા માટે કેમકે હાલના સમયમાં વિશ્વનો અધિકાંશ સમાજ પૈતૃ સત્તાક કુટુંબ વ્યવસ્થા અનુસરે છે. પરિવારમાં પુરુષનું ચલણ છે. પુત્રી પરણીને અન્ય પરિવારનો હિસ્સો બને છે. પરિવારના પુરુષ સ્થાયી સભ્યો હોય છે. માટે પુત્ર જન્મ એ પરિવારના સ્થાયી સભ્યનું આગમન છે અને જે–તે પરિવારના ‘ટકી રહેવાના’ ઉપક્રમનો આધાર છે. પુત્રનું પારિવારિક મહત્ત્વ આ મૂળભૂત વૃત્તિમાંથી બન્યું છે. માટે દીકરાનું જીવનમાં સવિશેષ મહત્ત્વ છે. તેથી કલાકૃતિઓમાં તે પડઘાય છે. દુશ્મન રાજ્યે એ હુમલો કરી રાજાને મારી નાખ્યો હોય અને મારતા અગાઉ રાજાએ પોતાના વારસને ગુપ્ત રીતે કોઈ અજ્ઞાત સ્થાને ઉછેરએ એવી વ્યવસ્થા કરી હોય જે પુત્ર મોટો થઈ યુદ્ધ લડી પોતાના પિતાએ હારેલું રાજ્ય ફરી મેળવે એવી લોકકથાઓ કેવળ ગુજરાતી નહીં, બલકે વિશ્વની તમામ સંસ્કૃતિઓમાં મળી આવે છે. ગુલાબદાસ બ્રોકરની વાર્તા ‘ધુમ્રસેર’ પિતા–પુત્રના એક ઓછા પરિચિત સંબંધક્ષેત્રની વાત કહે છે, જેમાં યશની લાલસામાં પિતાને પુત્રને શહીદી તરફ ધકેલી દીધો હોય છે. જયંત ખત્રીની ‘લોહીનું ટીપું’ પિતા–પુત્રના એક ધક્કાદાયક સામ્ય તરફ ઇશારો કરે છે. પોતે જેનો દેહ ભોગવવા માંગતો હતો એ સ્ત્રીને પોતાનો પુત્ર ભોગવી ગયો એમ નાયકને ખબર પડે છે અને એ અવાક રહી જાય છે. વાર્તાનું શીર્ષક સોંસરવું સાબિત થાય છે. રા. વિ. પાઠકની ‘મુકુન્દરાય’ વાર્તામાં પુત્રના અભદ્ર વ્યવહારથી પીડિત પિતા ‘નખ્ખોદ જજો’ પર્યંતની હાય વ્યક્ત કરી બેસે છે. (વધુ માહિતી માટે જુઓ : છોકરાં)

.....વધુ વાંચો