Famous Gujarati Lokgeeto on Dedana Geeta | RekhtaGujarati

દેદાનાં ગીતો પર લોકગીતો

દેદા કૂટવાનો રિવાજ ગ્રામસંસ્કૃતિના

એક અગત્યના અંગના સ્થાને છે. જેઠ મહિનાના ચારેય ‘દિતવારે’ નાનકડી બાળાઓ નદી-તીરે કે તળાવકાંઠે સાંજની વેળાએ દેદો કૂટવા જાય છે. જો ગામના પાદરમાં કોઈ વીરપુરુષની ખાંભી હોય, તો ત્યાં જઈને પણ બાળાઓ દેદો કૂટવાની. આ રિવાજ પાછળ સંસારના એક વ્યવહારની તાલીમ આપવાની દૃષ્ટિ છે. ગામડાંમાં હજુય મૃત્યુની પાછળ રોવાકૂટવાનો રિવાજ ટકી રહ્યો છે. ત્યાં સ્ત્રીઓને રોવાકૂટવાની જરૂર પડે છે, ને તેની તાલીમ સ્ત્રીઓને ગામડાંમાં છેક નાનપણમાં ‘દેદો કૂટવાના’ રિવાજમાંથી મળે છે. આ દેદો કોણ છે? આ દેદાનું મૂળ સૌરાષ્ટ્રના ઈતિહાસમાં મળે છે. ભરૂચમાં પણ દદ્દવંશ રાજકર્તાનો વંશ હોવાનું શ્રી કે. કા. શાસ્ત્રીએ કહેલું. સૌરાષ્ટ્રના ઇતિહાસમાં બે જુવાન દેદાઓ હણાયાનો ઉલ્લેખ મળે છે. એક મરાયો ઝાલાઓને હાથે જાંબુમાં અને બીજો મરાયો ગોહેલના હાથે લાઠીમાં; માટે જ દેદાઓનાં ગીતોમાં પંક્તિ મળે છે : ‘દેદો મરાયો લાઠીના ચોકમાં!’ સ્વ. મેઘાણીભાઈએ સમરાંગણની પ્રસ્તાવનામાં લખ્યું છે : ‘દેદાઓની દગાથી કતલ, જામ સતાએ નહિ, પણ રાવળ જામે કરેલી.’ ભગવાનલાલ સંપતરામે ‘સૌરાષ્ટ્રનો ઈતિહાસ’માં પૃષ્ઠ 191 પર લખ્યું છે: “જામને આ વખતે એક તરફથી જેમ જેઠવા પાસેથી મોટો પ્રાંત મળ્યો, તેમ બીજી તરફથી તેને પૂર્વ તરફનાં મચ્છુકાંઠાનાં કેટલાંક પરગણાં ત્યાંના ચાવડા અને દેદા ગરાસિયા પાસેથી અને પશ્ચિમ તરફનું ખંભાળી ગામ વાઢેલ લોકો પાસેથી મળ્યું.” લોકો પાસેથી મળે છે કે : “દેદો મીઢળબંધ વારની લડાઈમાં લાઠીચોકમાં મરાણો, તેને યાદ કરી કરીને આ છોકરીઓ કુટે છે, અગર કૂટવાનું શીખે છે. અત્યારે લાઠીમાં તેના નામની શેરી પણ છે.” તપાસ કરતાં બીજો ઉત્તર મળ્યો છે : ‘મરશિયા એટલે ગુજરાતમાં મૃત્યુગીતો. આ ગાણાંઓ ખાસ કરીને બૈરાં ગાય છે. આવાં ગાણાં બૈરાં મોટી ઉંમરનાં થાય ત્યારે શીખતાં નથી, પણ તે તો નાની છોકરીઓ હોય ત્યારે જ શીખે છે. હવે આ મરશિયામાં કોનાં નામ દેવાં? ત્યારે છોકરીઓ દેદાનું નામ દઈને તેને લલકારે છે. કોઈ વખતે દેદાને પરણવાનાં ગીતો, હીંચોળવાનાં ગીતો પણ મળે છે.

.....વધુ વાંચો