Famous Gujarati Satire on Dariyo | RekhtaGujarati

દરિયો પર કટાક્ષ કાવ્ય

દરિયામાં એક અનોખાપણું

છે–અને એ છે એની વિશાળતા. આથી દરિયો હંમેશાં જનસામાન્ય અને કલારસિકોને આકર્ષે છે. ગુણવંતરાય આચાર્યએ તો દરિયા આધારિત નવલકથાની શ્રેણી જ રચી છે. એક જમાનામાં વિદેશ જવા માટે દરિયાઈ માર્ગ સિવાય અન્ય કોઈ માર્ગ નહોતો માટે વિદેશગમન માટે ‘દરિયાપાર’ શબ્દ બની ગયો હતો. વિશાળતાને કારણે ઉદાર હૃદયની વ્યક્તિ માટે ‘દરિયાદિલ’ વિશેષણ બન્યું. અને વિશાળતા એક પ્રકારનું આહ્વાન પણ ગણાય માટે અનેક સાહસ પાર પાડનાર માટે ‘દરિયો પાર કરનાર’ રૂઢિપ્રયોગ બન્યો. સિતાંશુ યશશ્ચન્દ્રની કવિતા ‘ડૂબવું’ના અંશમાં દેખાતો દરિયો જુઓ : નકશાનો વીંટો વાળી, કેબિન લાઈટ બુઝાવી, મફલરની ગાંઠ ગળા ફરતી વધારે મજબૂત કરી, હું દરિયાતળની શેવાળોથી છવાયેલા મારા તૂતક પર ચાલું છું. તૂતક આટલું લાંબું હશે એની મને જાણ નહોતી. બને કે ડૂબી ગયા પછી બધાં ડૂબેલાં વહાણો એકબીજા સાથે જોડાઈ જાય છે ને એમનાં તૂતકોનો એક ખૂબ લાંબો રસ્તો દરેક ડૂબેલા વહાણવટીએ કાપવો જ પડે, એવો રિવાજ હોય છે. એટલે જ પાછો ફર્યા વિના તૂતકના એ રસ્તે જઈ હું તપાસ કરું છું કે બહાર કોણ છે. (ડૂબવું/સિતાંશુ યશશ્ચન્દ્ર) અને નાયિકાની મનોસ્થિતિના વર્ણન માટે રઘુવીર ચૌધરીએ દરિયાનું કલ્પન કઈ રીતે વાપર્યુ છે એ જુઓ : ‘…. અમૃતાના મકાનની પશ્ચિમે દરિયો છે. શુક્લ પક્ષમાં સંધ્યાસમય પછી બદલાતું વાતાવ૨ણ જોવાની એને ટેવ છે. સૂર્યનાં કિરણોની ચમક સમુદ્રની સપાટી ૫૨ વિદાયના રંગ જમાવી રહી હોય ત્યારે અમૃતા આગાશી પર ઊબી ઊભી નજીક આવેલા અંધકારની કલ્પના કરતી હોય. શુક્લ પક્ષમાં પણ ચાંદની છવાય તે પૂર્વે સૂર્યનો અભાવ સૂચવતી એક ઝાંખપ પોતાની મુદત સાચવી લે છે. પછી ચાંદનીનો ઉજાસ ધીરે ધીરે સંપૂર્ણ પ્રાગટ્યા પામી લે છે. શરૂ શરૂમાં તો સમુદ્ર ચાંદનીના ઉજાસથી લેશમાત્ર પ્રભાવિત ન હોય તેમ નિજમાં નિમગ્ન રહે છે. કાંઠાઓના સ્વાતંત્ર્યને અબાધિત રહેવા દે છે. પણ પછી એક એવો સમય આવે છે જ્યારે આખો ને આખો સમુદ્ર છલકાવા લાગે છે. અમૃતાની આંખોમાં આખો ને આખો સમુદ્ર શમી જાય છે. શમી ગયેલો સમુદ્ર પોતાનું એક પણ સ્પંદન કોઈને ન સંભળાય એ રીતે વર્તે છે...’ (અમૃતા–રઘુવીર ચૌધરી /પ્રથમ સર્ગ /પ્રશ્નાર્થ ચાર) સમરસેટ મોમ લિખિત અતિ પ્રસિદ્ધ ટૂંકી વાર્તા ‘મી. નો ઓલ’ના બે પાત્ર વચ્ચે એક મોતીની માળા બાબત શરત લાગે છે કે તેના મોતી અસલી છે કે નકલી. આ શરત દરિયાઈ જહાજની મુસાફરી દરમિયાન લાગે છે અને શરત કોણ જીતશે એની કસોટી હવે પછી આવનાર દરિયા કિનારે થશે – આ વાર્તામાં દરિયાકિનારો સ્થૂળરૂપે નથી આવતો પણ પ્રચ્છન્નપણે દરિયાકિનારો નિર્ણાયક ભૂમિકા ભજવે છે. દરિયો અને દરિયાકિનારો, કવિ–લેખકોને વિવિધ કલ્પનો અને સંભાવનાઓ પ્રતિ દોરી જાય છે.

.....વધુ વાંચો

કટાક્ષ કાવ્ય(1)