દંભ પર ગઝલો
ડોળ, દેખાવ. ઢોંગ. દેખાડો
કરવો, હોય એના કરતા પોતાને વધુ સમૃદ્ધ બતાવવું, કે વધુ પ્રભાવકારક ઠસાવવું એ વૃત્તિ માણસજાતની નબળાઈ છે. અને આ વૃત્તિ ઘણી વાર ભોંઠામણ કે નાટ્યાત્મક સ્થિતિ ઊભી કરે છે માટે સાહિત્યકૃતિઓમાં એ રસપૂર્ણ વિષય બને છે. મહાભારતના એક પ્રસંગમાં ધૃતરાષ્ટ્ર પાંડવોને બાથ ભરવાનો દંભ કરી પોતાના પોલાદી બાવડાઓમાં ભીમને કચડી નાખવાનો ઇરાદો સેવે છે. પણ કૃષ્ણની સમયસૂચકતાને કારણે ભીમ બચી જાય છે. કવિ અખાના છપ્પા સામાજિક અને ધાર્મિક દંભને આડા હાથે ફટકારે છે. જયંતી દલાલની વાર્તા ‘આ ઘેર પેલે ઘેર’માં નાયિકા સવિતા જાત સાથેના દંભમાંથી કઈ રીતે મુક્ત થાય છે એની વાત છે. માણસ પોતાની જાત સાથે કેટલો દંભ કરી શકે છે એનું આલેખન મોહનભાઈ પટેલની ‘બ્લાઇન્ડ વર્મ’ વાર્તામાં જોઈ શકાય છે. મોહમ્મદ માંકડની વાર્તા ‘હિમ્મત મારો દોસ્ત’માં નાયક બાળપણના મિત્ર હિમ્મત સાથે વર્ગભેદ અનુભવે છે. ગામથી મળવા આવેલા મિત્રને ગામડિયો સમજી મળવું ટાળવા માટે વ્યસ્ત હોવાનો દંભ કરે છે. દેખાવ કરવાની માનસિકતા કથારસને એક જુદો જ રંગ આપે છે. ઈજ્જતકુમાર ત્રિવેદીએ લઘુકથાની વિધામાં વિવિધ વિષયો દ્વારા દંભને નિશાન્યું છે. એમના લઘુકથા સંગ્રહ ‘સુદામાના તાંદુલ’માં શિક્ષણ, (આનંદ કેમ નાસી ગયો?, હ્યુએનસંગ) અમલદારશાહી (બુદ્ધ), એક નધણિયાતી લાશ (રાજકારણ) વાર્તાઓમાં દંભ ચિરાતો જોઈ શકાય છે.