દલિત કવિતા પર ગઝલો
૧૯૬૦માં ભલે ભૌગોલિક
રીતે મહારાષ્ટ્ર અને ગુજરાત બે જુદા રાજ્ય બન્યા હોય પણ સાંસ્કૃતિક આદાન પ્રદાનને ભૌગોલિક સીમાઓ આડે નથી આવતી. મહારાષ્ટ્રમાં બાબાસાહેબ આંબેડકરના આક્રોશના પડઘામાંથી દલિતસાહિત્ય જન્મ્યું અને એના તરંગ ગુજરાત સુધી પહોંચ્યા. ૧૯૮૧માં ગુજરાતમાં અનામત આંદોલન થયું, એનાથી દલિત ચેતના સંકોરાઈ અને સાહિત્યિક અભિવ્યક્તિની શરૂઆત કવિતાઓથી થઈ. દલિત કવિતાઓનું પ્રકાશન ‘દલિત ગુજરાત’ અને ‘આર્તનાદ’ જેવા સામયિકોમાં થવા માંડ્યું. પછી ૧૯૭૫માં દલિત પેન્થર દ્વારા ‘પેન્થર’ સામયિક શરૂ થયું. જેમાં દલિત કવિતાઓ પ્રકાશિત થતી. દલપત ચૌહાણ અને પ્રવીણ ગઢવી દ્વારા ‘કાળો સૂરજ’ અને ‘પ્રતિબદ્ધ કવિતાપત્ર’ શરૂ થયા. ત્યારબાદ દલિતકાવ્ય સંગ્રહો પણ પ્રગટ થવા માંડ્યા. બાગમાં(મંગળ રાઠોડ), બૂંગિયો(શંકર પેન્ટર), અનસ્ત સૂર્ય(કિસન સોસા), વ્યથાપચીસી(સાહિલ પરમાર), એકલવ્યનો અંગુઠો, શ્રમિક કવિતા, વિસ્ફોટ, અસ્મિતા વગેરે દલિત કવિતાના સંપાદન આવ્યાં. બબલદાસ બી. ચાવડા, બિપિન ગોહેલ, નીલેશ કાથડ, કાંતિલાલ મકવાણા, મધુવીર સોલંકી, મહેશચંદ્ર પંડ્યા, નીરવ પટેલ, રાજૂ સોલંકી, હરીશ મંગલમ્, ઉમેશ સોલંકી, અશોક ચાવડા ‘બેદિલ’ જેવા કવિઓએ દલિત કવિતાને વધારે પુષ્ટ કરી છે.