Famous Gujarati Mukta Padya on Dadi | RekhtaGujarati

દાદી પર મુક્તપદ્ય

પિતાના પિતા અને માતા.

દાદા–દાદી સંબોધન અને સંબંધ સાથે અન્ય કેટલાક અર્થ સહજપણે જોડાયેલા છે, જેમકે સન્માન, વ્હાલ, વૃદ્ધ અવસ્થા, અનુભવ, પરિવારના વરિષ્ઠ. પરિવારના વૃદ્ધોને પોતાની ત્રીજી પેઢીના બાળકો વધુ વ્હાલા હોય છે એ બાબત એટલી રૂઢ છે કે એના માટે ‘મૂડી કરતાં વ્યાજ વ્હાલું’ એવો રૂઢિપ્રયોગ બની ગયો છે. હાલ સંયુક્ત કુટુંબની પરંપરા તૂટી રહી હોવાથી વ્યવહાર, લોકબોલી અને સાહિત્યમાં ‘દાદા-દાદી’નું સ્થાન પણ એ રીતે બદલાયું છે, પણ સાહિત્યમાં આધુનિક યુગની શરૂઆત સુધી આપણી કુટુંબ પરંપરા સંયુક્ત પરિવારની જ હતી માટે તે સમય સુધીના કાવ્ય, નવલકથા કે ટૂંકી વાર્તાઓમાં આ વરિષ્ઠ વડીલોનું સ્થાન ગરીમાપૂર્ણ અને પ્રભાવકારક રહ્યું છે. દાખલા તરીકે ધીરુબેન પટેલની લઘુનવલ ‘વાંસનો અંકુર’માં નાયક કેશવ એના દાદાજીની જેમ બંડ કરે છે અને તે પણ દાદાજી વિરુદ્ધ જ! આ કથામાં નાયકનાં દાદાજીનું પાત્ર નાયકના પાત્રલેખન પર મોટી અસર ધરાવે છે. ચુનીલાલ મડિયાની ટૂંકી વાર્તા ‘વાની મારી કોયલ’માં મુખ્ય પાત્ર સંતી છે પણ એના દાદા નેણશી ભગત સમાંતર મહત્ત્વ ધરાવે છે. આપણા લોકગીતોમાં ‘દાદા–દાદી’ કેન્દ્રમાં હોય એવા અનેક ગીતો છે. સિતાંશુ યશશ્ચંદ્રના કાવ્ય ‘પરદાદી અને હું’માં મુખ્ય પાત્ર દાદા અને દાદી છે એમ કહીએ તો ચાલે. બાળગીતોમાં મોટાભાગે દાદી હોય જ. બાળવાર્તાઓમાં રાતે સૂતી વખતે વાર્તા કહેનાર દાદી જ હોય છે! મનોજ ખંડેરિયાની કવિતા ‘હું ટેકરીઓ, ભીંત અને લીમડો’માં દાદી એક અનન્ય સ્મૃતિ ચિહ્ન તરીકે રજૂ થાય છે.

.....વધુ વાંચો