ભામણીઓ પર લોકગીતો
ગુજરાતમાં નાવિકોનાં
શ્રમગીતોનાં જુદાં જુદાં નામ હોય તેવું લાગે છે. સુરતના દરિયાકાંઠાનાં એવાં ગીતો થોડાં વર્ષો પહેલાં શ્રી ઉમાશંકર જોશીએ ‘સંસ્કૃતિ’માં ‘અબાવણી’ના નામે પ્રગટ કર્યાં હતાં. બિલિમોરાનું વહાણ લઈ મહુવા આવેલ ઓજંર ગામના નાવિક કરસનભાઈ રવજીએ તે ગીતોનું નામ પૂછતાં કહ્યું : અબાણી. મહુવા બંદરના નાવિક ભીખાભાઈ, બાબુલ કરસન અને લાખા કરસને તેમને ભામણી-ગીતો કહ્યાં. કોઈ ભાઈએ કતપર ગામમાં તેને બામણી-ગીતો કહે છે એમ કહ્યું. વેરાવળના દરિયાખેડુઓ આ ગીતોને ‘લોથાર’ ગીતો કહે છે. આમ, અબાવણી, અબાણી, ભામણી, બામણી અને લોથાર એવાં નાવિકોનાં શ્રમગીતોનાં નામો મળે છે. બામણી, ભામણી અને અબાણી શબ્દો અબાવણીમાંથી આવ્યા લાગે છે. ફારસીમાં ‘આબ’ શબ્દનો અર્થ પાણી થાય છે. પાણી પર પ્રવાસ કરતાં વહાણવટીના શ્રમની વાણી એવો અર્થ આ શબ્દને ચાલુ કરનારના મનમાં અભિપ્રેત હશે. આવી વાણી બસરાનાં વહાણો લઈને આવનાર અરબ નાખુદા પણ ગાય છે. આથી આ શબ્દ કદાચ ગુજરાતને તે લોકોના સંપર્કમાંથી મળ્યો હોય. અબાવણીને કોઈક ખારવા અબાવાણી કે આબાવાણી પણ કહે છે. વેરાવળનો દેશ્ય શબ્દ દેખો. લોઢ્યનો અર્થ ખલાસીની ભાષામાં મોજાં થાય છે. મોજાં આવે ત્યારે શઢનાં દોરડાં ખેંચવાં પડે, છૂટાં કરવાં પડે, ને તે વખતે જે ગીતો ગવાય છે તેને તેમણે લોથારગીતો કહ્યાં. તો જેમ પશ્ચિમ નાવિકોનાં લોકગીતો માટે વિશિષ્ટ શબ્દપ્રયોગ Call થયો છે તેમ ગુજરાતમાં નાવિકોએ તેમનાં ગીતો માટે શબ્દો યોજ્યા છે તેમાં એક છે ‘અબાવણી’ (‘અબાવાણી’, ‘ભામણી’, ‘બામણી’, ‘અબાણી’, આબવાણી’, ઇત્યાદિ) અને બીજો છે ‘લોથાર’ગીતો. શ્રી મધુભાઈ પટેલે આ ગીતો ‘હોબેલાં’ તરીકે પણ ઓળખાય છે એમ નોંધ્યું છે.