બારમાસી પર બારમાસી
સર્વ ઋતુમાં મુખ્ય વસંત
અને તેના માસ ફાગણ તથા ચૈત્ર ખરા; પરંતુ આખા વર્ષના બાર માસનું ચક્ર પણ સમશીતોષ્ણ કટિબંધમાં આવેલા પ્રદેશો માટે તેટલું જ સુંદર અને કાવ્યવિષય બને તેવું છે. તેથી બારે માસના આહારવિહાર, ખાનપાન, ઉત્સવો, વ્રતો, પ્રકૃતિનો વૈભવ વગેરે આપણાં ચિરપરિચિત નાયકનાયિકાને ઉદ્દેશીને વર્ણવવાની સુંદર તક કવિઓએ ઊંચકી લીધી છે. મોટે ભાગે, વિરહવર્ણવતું બારમાસી કાવ્ય વર્ષાન્તે સંભોગ શૃંગારના રસને વર્ણવે છે : બારમાસીનું સાહિત્ય તે સમયના સામાજિક જીવનને વ્યક્ત કરે છે. તે કાળે પરદેશ જતા પુરુષોના લાંબા પ્રવાસોને લીધે, વિરહમાં ઝૂરતાં સ્ત્રીપુરુષોની સંખ્યા વધારે હતી. તેથી એ પ્રવાસો વિયોગની પ્રબળ વેદનાના પ્રેરક હતા; અને તે પછીના પુનર્મિલનના આનંદો પણ એવી આવેશભરી વાણીવાટે પ્રગળ થતા હતા. પ્રોષિતભર્તૃકાઓ માટે કૃષ્ણ-ગોપીનો અને નેમિ-રાજુલનો તથા સ્થૂભિભદ્ર—કોશાનો વિરહ ગાવો એ તેમને મન આશ્વાસનરૂપ થઈ પડતું. આ યુગલોનાં નામની આસપાસ અનેક પ્રકારનાં ‘પદ’, ‘વાર’, ‘તિથિ’ અને ‘મહિના’ની ગૂંથણી થયેલી છે. સ્નેહજીવનનો શૃંગારરસ ગવાયો છે કવિના પોતાના જીવન વિષે, પણ ચડી ગયો છે રાધાકૃષ્ણને નામે. જૂનાં લોકપ્રિય પાત્રો દ્વારા ગુજરાતનો સુંદરીસમાજ પોતાના હરખશોકનાં ગીતો ગાય છે અને રાચે છે. આવું ‘બારમાસ’નું સાહિત્ય એકલા ગુજરાતમાં જ નહિ, પણ ઉત્તર ભારત તથા બંગાળામાં પણ રચાયું છે. જ્યાં સુધી સ્ત્રીહૃદયમાં લાગણી છે ત્યાં સુધી આ સાહિત્ય તેમના જીવનના મર્મને સ્પર્શ કરશે અને તેમના હૃદયના તારને છેડ્યા કરશે.