રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોબરફ પર ગીત
પ્રવાહી પાણી અથવા પાણીની
બાષ્પના થીજી જવાથી બનતો રંગવિહીન ઘન પદાર્થ. તે પાણીનું સ્ફટિકમય અપરરૂપ (allotropic form) છે. સામાન્ય રીતે એક વાતાવરણના દબાણે પ્રવાહી પાણીનું તાપમાન ૦° સે.થી નીચું જતાં પ્રવાહી ઘનસ્વરૂપમાં આવે છે તેને બરફ કહે છે. બરફનું ઠંડાપણું સુપરિચિત છે માટે લોકબોલીમાં ઓછું બોલનાર, અંતર્મુખી કે શાંત સ્વભાવના માણસને ‘બરફ જેવો’ એવી ઉપમા અપાય છે. કવિતા, વાર્તા અને લલિત નિબંધોમાં બરફને વિવિધ લેખકોએ કેવી રીતે યોજ્યો છે એ જોઈએ ‘...આ હૃદય જે મારી અંદર ધબકે છે તેને હું ક્યાં આખો દિવસ સંભારું છું! કોઈ વાર કશોક આવેગ અનુભવું છું ત્યારે નાડીમાં જાણે દોડી જતાં ઘોડાના ડાબલા સંભળાય છે. કોઈ વાર ઉચ્ચારણની નજીક આવીને કોઈ શબ્દ એકાએક વિલાઈ જાય છે ત્યારે મને એ પાણીમાં ઓગળતા બરફ જેવું લાગે છે. કોઈક વા૨ કશીક અશક્ય આકાંક્ષા મને ઉન્મન બનાવી દે છે ત્યારે મારું હૃદય મને અગ્નિની કોઈ ગૌરવભરી શિખાની જેમ ઝળહળી ઊઠતું દેખાય છે...’ (સાધારણનો મહિમા (લલિત નિબંધ) / સુરેશ જોષી) ** મીતા ત્રિવેદીની વાર્તામાં બરફનું કલ્પન જુઓ : ‘...આમ તો સૂચિ કરતા વયમાં કદાચ ચાર–પાંચ વર્ષ નાનો હશે. પણ ઠાવકાઈ અને અનુભવમાં જાણે એનો ગુરુ. અનિકેતના ગયા પછી પહેલી જ વા૨ જાણે એણે હળવાશનો શ્વાસ લીધો. જિંદગીની બોઝિલતાનો બરફ જરા જરા પીગળવા લાગ્યો. નાના–મોટા કામો માટે સુકેતુની સહાય લેતી સૂચિ ક્યારે લાગણીઓનું, સંવેદનાઓનું અવલંબન લેતી થઈ ગઈ એની એને ય સરત ના રહી. (અનર્થ / મીતા ત્રિવેદી) અને અમુક કાવ્યાંશ : અનેક ઠૂંઠા વૃક્ષો ઊભાં છે એક પગે, સ્થિતપ્રજ્ઞ; બરફના ઢંગ નીચેની માટીમાં મજબૂત મૂળિયાં રોપીને ડાળ ડાળ પર બરફની ઝીણી ધજાઓ ફરકાવતાં... નજર પહોંચે ત્યાં લગી ચારે તરફ બરફ જ બરફ બરફ જ બરફ- જાણે બે મિનિટનું શ્વેત મૌન... (શ્વેત મૌન / યોગેશ જોષી) ** અહીં રોજ રચાય છે હિમના પર્વતો અને પહાડી. પ્રાણીઓ, પોતાનાં શિંગડાંથી એ પર્વતો તોડીને, રોજ નવી નવી કેડીઓ કંડારતાં ખૂંદી વળે છે, હિમપ્રદેશને. ક્યારેક હિમના કરાઓ નીચે ઢંકાઈ જાય છે પહાડી પ્રાણીઓનાં આખાં ને આખાં ટોળાં અને એમ રચાઈ જાય છે, દિવ્ય શિખરો. (હિમપ્રદેશ / મનીષા જોષી) ** નિઃસ્તબ્ધતા વિરહની હવામાં ભળી ગઈ ચ્હેરાના ભાવ પર્ણની રેખા થઈ ગયા જે શબ્દ રહી ગયા’તા ગળામાં બ૨ફ થઈ વાતાવરણમાં ઓગળી પડઘા થઈ ગયા (ગયા પછી તરત / જવાહર બક્ષી)