રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોબહારવટિયો પર બાળવાર્તાઓ
સામાન્ય માણસને જ્યારે
શાસન કે અન્ય કોઈ મોટી સત્તા સામે વાંધો પડે અને તેમાંથી તે પોતાને થયેલ અન્યાય સામે ન્યાય મેળવવા ઘરબાર છોડી, પોતાનાં વિચારોમાં સહમત અને સહાનુભૂતિ ધરાવતા અન્ય લોકો સાથે મળી લડી લેવું એમ નક્કી કરી ‘બહારની વાટ પકડે તે બહારવટીયો.’ જીવનની છેલ્લી ઘડી સુધી ન્યાય મેળવવા લડત આપે એ બહારવટીયો. ઝવેરચંદ મેઘાણીએ સોરઠી બહારવટિયાઓ વિષે ૧૯૨૭થી ૧૯૨૯ દરમિયાન દસ્તાવેજી નોંધ જેવા ત્રણ ભાગમાં પુસ્તક આપ્યાં છે. ઉપરાંત યુરોપના બહારવટિયાઓ બાબતના એશ્ટન વુલ્ફના પુસ્તકનો ‘દરિયાપારના બહારવટિયા’ (૧૯૩૨) નામે અનુવાદ પણ મેઘાણીએ આપ્યો છે. અન્ય સાહિત્યકૃતિના અંશ પ્રસ્તુત છે : “...સરસ્વતીચંદ્રને અત્યંત દયા આવી ને ગળગળો થઈ ગયો. ‘આને સ્ત્રીનું દુઃખ નથી, પણ પૈસાનું દુઃખ છે. દ્રવ્યનો આવે પ્રસંગે ઉપયોગ થતો હશે તેનું મને ભાન ન રહ્યું. આનું ઔષધ દ્રવ્ય તે હું ક્યાંથી આપું?’ જનોઈએ બાંધેલી મણિમુદ્રા સાંભરી આવી. મણિમુદ્રા! કુમુદસુંદરીની લલિત આંગળીએ વસવા મેં કેટલા મોહથી ઘડાવી હતી! તે સર્વ હવે વ્યર્થ થયું. આ દીન વિણકને આનંદનું સાધન તું હવે થા! મણિમુદ્રા લક્ષ્મીના છેલ્લા અવશેષ! મારા સ્નેહની સ્મશાનવિભૂતિ! મારા આંસુથી કલંકિત કર્યા સિવાય તને તજું છું. જા. ગરીબનું ઘર દીપાવ.’ સરસ્વતીચંદ્રે અર્થદાસની આંગળીએ મુદ્રા પહેરાવી; અને ભૂખથી, દુઃખથી, દયાથી, વિરહથી નબળો બનેલો તરુણ ઢળી પડ્યો. સરસ્વતીચંદ્ર ઢળી પડ્યો કે એકદમ વીજળીની ત્વરાથી ચોર ચિત્તવાળો અર્થદાસ સરસ્વતીચંદ્રને બહારવટિયો કલ્પતો પાછું જોયા વગર, વિચાર કરવા ઊભા રહ્યા વગર, મણિમુદ્રા લઈ, મૂઠી વાળી નાઠો...” (સરસ્વતીચંદ્ર (૧૮૮૭) ગોવર્ધનરામ ત્રિપાઠી) ** “...બરોબર ફૉમ છે : એક આનાને બૉ બધા કરવા મેં એના છૂટા કરાવ્યા. એકમાંથી ચાર પૈસા બનાવ્યા. પૈસા એટલે ઢબ્બુ – તાંબાનો, વચમાંથી કાણો. એક ઢબ્બુ ઊંચકી આંખ સામે ધર્યો. કાણામાંથી ઉપરનીચે ગોળગોળ ચક્કર ફરતો આખો મેળો જોયો : પેલો મદારી કાંડે બાંધેલું લીલું ફાળિયું ઝુલાવતો ડમરુ વગાડે, બીજા હાથની આંગળીઓ નચાવી પિત્તળની વાંસળી વગાડે, ડમરુના થડકાથી ખૂંટે બંધાયેલો નોળિયો ઝટકા સાથે અડધો ઊભો થઈ જાય, મારી સામે તાકે. પેલો એક હાથે પેટી ૫૨ મંજીરા ઠોકી, બીજા હાથે બાજુની દાંડી ગોળ ગોળ ફેરવી, એકઠાં થયેલાં પોયરાંઓને દેખાય, દેખો દેખો, અંદર કાચમાંથી નટી ને નદી ને તાજમહેલ ને ગામા પહેલવાન દેખાય, દેખો દેખો ભૂપત બહારવટિયો – કાંઈ કાંઈ કેળ પાડે પેલો મદારીનો ભાઈ, બજાણિયાનો, નટનો જાદુગર ભાઈ. એની સામેના બધાં એકઠાં લોઠાંની પૂંઠ મારા ભણી હતી...” (તડકેશ્વર (નિબંધ (૧૯૪૪) - ભરત નાયક) ** “... ..પણ એ. જી. જી. સાહેબે બહુ આગ્રહ કર્યો ત્યારે નાછૂટકે બધું કહેવું પડ્યું... ને એમણે એ બધું અક્ષરેઅક્ષર નોંધી લીધું––’ ‘નોંધી પણ લીધું?’ મંચેરશાએ આશ્ચર્યથી પૂછ્યું : ‘બધું નોંધી લઈને તારા ઉ૫૨ રિપોર્ટ કરવાના છે કે શું?” ‘રિપોર્ટ નહીં, વાર્તા.’ કીલાએ કહ્યું : ‘વૉટ્સન સાહેબ તો કાઠિયાવાડને ગામડે ગામડે ફરીને જૂના બહા૨વટિયાઓની વાત તૈયાર કરે છે ને!” બરોબર છે.’ મંચે૨શા વ્યંગમાં બોલ્યા : ‘આ કીલો પણ કાદુ મકરાણી જેવો બહા૨વટિયો જ છે ને!’ પણ કાદરબક્ષ જેટલાં કોઈનાં નાક નથી કાપ્યાં!” (વેળા વેળાની છાંયડી (૧૯૫૬) - ચુનીલાલ મડિયા)