અબાવણી પર લોકગીતો
અબાવણી એટલે આબ (પાણીની?)વાણી.
દરિયાની છાતી પર ઝૂલનાર ખલાસી અથવા ખારવાનાં ગીતો અબાવણીને નામે ઓળખાય છે. એને હોબેલાં કે હોબેલી પણ કહે છે. અબાવણી એટલે શુદ્ધ શ્રમગીત. હેલકરીનું હૈસો ગીત. ‘હૈસો’ એટલે વજન ઊંચકતાં નીકળતો સ્વાભાવિક ઉદ્ગાર. એ ઉદ્ગાર સમૂહને જોમ પ્રેરે છે, અને જોમને લયબદ્ધ કરી સતત ટકાવી રાખવા અબાવણી ગવાય છે. વહાણમાં ને ગાડીના ડબ્બામાં ભારેખમ લાકડાં ને બીજો માલ ચઢાવતાં ઉતારતાં, હોડીને કાઠી મારતાં, ચણાતી ઇમારતનાં ભારોટિયાં ભૂમિ પરથી ઊંચકી મોભે મોકલતાં, કૂવામાં બોરિંગ મૂકતાં, પાણીનો ચંપારો ખેંચતાં ને વહાણનાં શઢ ધોતાં કે સામૂહિક શક્તિ વાપરી એકાદું કાર્ય કરવાના પ્રસંગે કવિયો અબાવણી ગાય છે. દોરડાને છેડે દસપંદર માણસનું ઝૂમખું વળગ્યું હોય, કવિયો અબાવણી લલાકારે અને એક જ હલકારા સાથે દોરડું ખેંચતાં “હૈસો” કે “હૈ સમાલ હોબેલાં”માં બીજા જવાબ આપે છે. વજન ઊંચકાતું જાય તેમ કવિયો (કવનાર) તે જ લયમાં ઝમકદાર, જોશીલા ને પ્રેરક-શબ્દોનાં જોડકણાંના ટહુકા નાંખતો જાય. ઝડપી કાર્ય સાથે જલદ લયવાળી અબાવણી ગવાય છે. સુરત જિલ્લાના સાગરકાંઠાના વહાણના ખારવાને જેમ શ્વાસોચ્છ્વાસ તેમ આ અબાવણી, નાનું કાર્ય પણ અબાવણી ગાયા સિવાય તેઓ કરશે નહિ. દરિયાનાં પાણીનું માપ કાઢતી વખતે એ જે દોરડું અંદર મૂકશે તે પણ અબાવણી સાથે જ. કહે છે તે “લાટડાળો ગાય ટોએ બાવન ડાળે પૂળીની ઠાય ને એને માઠુંની ને પૂછળુંની” [રાતદહાડો ગાય તોયે બાવન દહાડે પૂરી ન થાય ને એને (અબાવણીને) માથું નહિ ને પૂંછડું નહિ, અર્થાત્ નહિ એને શરૂઆત કે નહિ અંત.]જે આ અબાવણી વાંચતાં આપણને સહેજે થશે કે અબાવણીની ગીતરચનામાં અર્થ કરતાં શબ્દોની જ ઝમક હોય છે. શ્રમ કરતાં સહેજે ઉચ્ચારાય એવી સમૂહને બોલવાની એની ધ્રુવ પંક્તિ ધ્યાન ખેંચે એવી છે. દા. ત., ‘હૈ’, ‘હૈસો’, ‘હેલ્લે’, ‘લાફુહાંઈ’, ‘ઝલ્લાઈ’, ‘ઝલ્લાના ઝુંબેસે’.