yoghino wiyog - Sonnet | RekhtaGujarati

યોગહીણો વિયોગ

yoghino wiyog

રાજેન્દ્ર શાહ રાજેન્દ્ર શાહ
યોગહીણો વિયોગ
રાજેન્દ્ર શાહ

સામે સામે પથ પર જતાં માર્ગ કેરા વળાંકે

ન્યાળી આજે પ્રથમ તને, કેટલો કાળ સ્વલ્પ!

તેમાં યે હે રમણી! દૃગની દીપ્તિના ચારુ પાતે

આખી ઝાંખી કરી શી દીધ સૌંદર્યની મારી ખલ્ક!

એનો છે ના જરીય ઉરમાં શોચ કૈં કિંતુ જાણે?

કે સુણીને ગીત, નીરખી વા સંધિના રંગ ભવ્ય

જાગે કેવો અધિકતર માધુર્યનો શોષ પ્રાણે?

થાતું, જો તેં મિલન સ્મૃતિથી કૈં કીધું હોત ધન્ય!

સાયંકાલે ધૂસર પુરનાં વૃક્ષના મૂર્ઘ્ન દેશે

સોહંતી તે, તરલ નહિ તારા જશી, તન્વી બીજ;

તેં તો મારા નિબિડ નિશિ-સૌંદર્યના સૌ નિવેશે

રે અંધારાં પલક મહીં અંઘોળિયાં લુપ્ત વીજ!

સાથે બે કૈં ડગ ભરી બની હોત જો મિત્રતુલ્ય...

ના, ના, એથી અધૂરપ તણું દર્દ છે અમૂલ્ય.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી સૉનેટ (પૃષ્ઠ ક્રમાંક 36)
  • સંપાદક : ડૉ. મણિલાલ હ. પટેલ, ડૉ. દક્ષેશ ઠાકર
  • પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન
  • વર્ષ : 2000