રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરો
વિદાય
viday
કુલીનચંદ્ર યાજ્ઞિક
Kulinchandra Yagnik
(પૃથ્વી)
વિદાય! વસમી ઘડી! વરસ કૈં વીત્યાં દોહ્યલાં,
સરસ્વતી ઉછંગમાં, ઉર ઉમંગ-ઉત્સાહમાં;
કંઈ વળી નિરાશમાં; કવચિત સાગરે જ્ઞાનના
પીયૂષલવ પામવા; કદીક આત્મની ખોજમાં.
વિયોગ! કપરી પળો! સ્વજનથી થવું જૂજવા,
તજી મધુર ગોઠડી, સ્મરણ માત્ર લૈ સાથમાં!
વિદાય, મુજ ભેરૂઓ! સફર-સાથીઓ! બાંધવો!
તટસ્થ સહુ સાક્ષીઓ! પ્રતીપ પથ્યના એ! વિદા!
વિચાર મન! નિત્ય કેવળ અહીં પરિવર્તનો
અનિત્ય જગમાં, થઈ પ્રગટ અત્ર અવ્યકતથી,
જરીક રમી વ્યક્તમાં, સરી જવું જ અવ્યક્તમાં–
નિસર્ગ તણી રીત આ; ત્યહીં ન મોહ કે શોક ના!
વિમુક્ત અવ સંચરો, ચરણ! પંથ શોધો નવા,
નવી જ કંઈ સાધના, તપ નવીન, યજ્ઞો નવા!
“ઉદીચ્ય”, તા. ૧૬-૦૭-૧૯૯૨
સ્રોત
- પુસ્તક : યુનિવર્સિટીની સ્થાપનાનો વૃત્તાંત : ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (પૃષ્ઠ ક્રમાંક 196)
- પ્રકાશક : હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ
- વર્ષ : 2017