mali drishti ! - Sonnet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

મળી દૃષ્ટિ...!

mali drishti !

ગીતા પરીખ ગીતા પરીખ
મળી દૃષ્ટિ...!
ગીતા પરીખ

મળી દૃષ્ટિ ત્યારે સઘન ગરજ્યો મેઘ નભમાં

અનેરા આષાઢે સભર છલકી ધન્ય ધરણી,

અને તેજીલી શી સબળ ચમકી વીજ ગગને,

અહો મસ્તીઘેલાં સજળ ઊમટ્યાં પૂર સઘળે.

પછી આવેગો ને ધસમસ પ્રવાહો કંઈ ઠર્યા

અને ફોરે ફોરે ઝરમર-સ્વરે શ્રાવણ ઝર્યો,

હળું ઝંકારે શાં સરવર-જલે મુગ્ધ ધરણી

ભર્યા ભાવે ગુંજી ઋજુ જલતરંગે મધુમયી.

હવે ના ફોરું કો, નહિ ગગનમાં વાદળીય તે,

દિશાને ઓવારે નહિ, જલભરી લ્હેરખીય તે,

બધું શાંત સ્તબ્ધ, સ્વર સૂણું એક્કે મયૂરનો,

હવા વાગોળે છે ગત સમયનાં ફક્ત સ્મરણો.

છતાં છાયા સ્નિગ્ધા સજલ હૃદયે શી પ્રસરતી

મળી ‘દૃષ્ટિ’ હાવાં શરદ-શુચિ જ્યાં શાશ્વત થતી!

સ્રોત

  • પુસ્તક : અક્ષરા (પૃષ્ઠ ક્રમાંક 21)
  • સંપાદક : યોસેફ મૅકવાન
  • પ્રકાશક : નેશનલ બુક ટ્રસ્ટ, ઈન્ડિયા
  • વર્ષ : 2007