tame, swajan - Sonnet | RekhtaGujarati

તમે, સ્વજન

tame, swajan

ઉમાશંકર જોશી ઉમાશંકર જોશી
તમે, સ્વજન
ઉમાશંકર જોશી

[બલવંતરાય ક. ઠાકોરને]

તમે, સ્વજન, વૃદ્ધ ને ઊછરતા વછેરા અમે;

તમે અવ કૃતાર્થ, નવ્ય વિજયે અમે કોડીલા,

નવાં ક્ષિતિજ આંબવા થનગની રહ્યા ઘોડીલા

બની, જગત પૂરપાટ ધસવા અધીરા; તમે?-

લગામ કઠતી, ખડ્યાં મુખથી દંત, પેડૂ દમે,

ખૂટ્યો પથ અખૂટ જોઈ અવ તંગ મૂક્યા ઢીલા.

અમે પથપિપાસુ આજ વિણબોજ વ્હીલા વ્હીલા,

અને કુમળી પાંસળી મહીં સુતીક્ષ્ણ એડી ગમે.

હશે વિકટ પંથ? કંટક હશે? -ન પૂછું અમો,

કુતૂહલ જાણવા ગિરિચઢાવ વા માર્ગનો.

કુતૂહલ દિલે: હશે શું અસવાર આદર્શનો

પીઠે સતત, પેંગડે-પગ, સુતેજ વિદ્યુત્સમો

ચલાવત રવાલ ચાલ? બસ એટલું જો ભલા,

મુકામ પછી દૂર છો? શમશે પથે ડાબલા.

અમદાવાદ, ૧૮-૧ર-૧૯૪૧ (આતિથ્ય)

સ્રોત

  • પુસ્તક : શ્રેષ્ઠ ઉમાશંકર (પૃષ્ઠ ક્રમાંક 52)
  • સંપાદક : નિરંજન ભગત, ચિમનલાલ ત્રિવેદી, ભોળાભાઈ પટેલ
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2005