તમારા પત્રો
tamara patro
સુરેશ દલાલ
Suresh Dalal
સુરેશ દલાલ
Suresh Dalal
તમારા પત્રોમાં ઝરમર ઝરે વ્હાલ નભનું.
અહો! શબ્દે શબ્દે સજલ ઊઘડે શાન્ત તડકો
તમે પાસે પાસે તદપિ દૂરના દૂર રહીને
અહીં મારી વીણા રણઝણી રહે એમ અડકો!
તમારું જોઉં હું મુખ, ચરણ ને સાદ સુણતી,
તમારા પત્રોને પથ વિચરતી, ક્લાન્ત ક્ષણમાં
રચું નાનું મારું વન મધુર એકાન્ત રણમાં
તમારા પત્રોનું જતન કરીને જીવી લઉં છું.
તમારા શબ્દોમાં સતત છલકે સાગર અને
પહાડો ઊભેલા પલક પીગળે; ઇન્દ્રધનુઓ
રચી આપે સેતુ વનકુસુમની સૌરભ લઈ
તમે તો શબ્દોની સરહદ વટાવી અહીં ઊભા.
તમારા પત્રો તો શયનગૃહના દર્પણ સમા
તમારા દીધેલા પ્રથમ શિશુના અર્પણ સમા!
સ્રોત
- પુસ્તક : કાવ્ય-કોડિયાં : સુરેશ દલાલ (પૃષ્ઠ ક્રમાંક 43)
- સંપાદક : નિરંજન ભગત
- પ્રકાશક : લોકમિલાપ ટ્રસ્ટ, ભાવનગર
- વર્ષ : 1980
