uparkot awloktan - Sonnet | RekhtaGujarati

ઉપરકોટ અવલોકતાં....

uparkot awloktan

ભાનુપ્રસાદ પંડ્યા ભાનુપ્રસાદ પંડ્યા
ઉપરકોટ અવલોકતાં....
ભાનુપ્રસાદ પંડ્યા

ડૂસકું ભરવા મોઢું પ્હોળું અતીત રહે કરી

ત્યમ લહું ઉઘાડાં ઊંચેરાં દુવાર, જતાં મહીં

પગ થથરતા, મારી વાંસે ધસે બીજું કોણ આ?

ચમકી રહું-એ મારી છાયા! નહીં જયસિંહની!

અવ ભૂખર સિંદૂરી લીટામહીં ગઢ-ગોખલે

કથની ઊકલે ઝાંખીપાંખી સુભાગ્ય સર્યાતણી.

હવડ ગલી, ટીંબા, જ્યાં ત્યાં છવાયલ ઝાંખરાં

ઘણુંય ઢબૂરી બેઠાં કિન્તુ કશું નવ ઓચરે!

નવઘણ કૂવાના ઊંડાણે તરે ઇતિહાસનું

શબ, ગરગડીથી રોતી ના છતાંય અડીકડી?

ઉપર ચઢું કોટે રહેંસાતી સુણું ચીસ કોમળી?

પવન સૂસવે! કાળું ઓઢી મલીર શિલા મૂગી.

નીરખી રહું ધક્કાબારી - શકે અહીંથી પડી

વિભવ સહુ વિલાયો; સામે વ્યથા ગિરિ શી ખડી!

સ્રોત

  • પુસ્તક : શબ્દે કોર્યાં શિલ્પ (પૃષ્ઠ ક્રમાંક 76)
  • સર્જક : ભાનુપ્રસાદ પંડ્યા
  • પ્રકાશક : હીરાગૌરી પંડ્યા
  • વર્ષ : 1999