smritighelanne - Sonnet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

સ્મૃતિઘેલાંને

smritighelanne

મુરલી ઠાકુર મુરલી ઠાકુર
સ્મૃતિઘેલાંને
મુરલી ઠાકુર

ગણ્યો પોતાનો તો પ્રિયજન હવેથી વિસરજે,

ચહ્યો કો કાળે તો પ્રિય નવ કદી યાદ કરજે;

લહ્યાં સ્વપ્નો તેનું સ્મરણ નવ પાછું કદિ થજો,

રહી આઘાં આઘાં ઉભય દિલભાવો લય થજો.

નથી સૃષ્ટિમાં જીવન જન કો’નાં નિરમિયાં

ફૂલોની શય્યામાં સુખરૂપ સદાયે વિહરવાં.

વિયોગે શાન્તિ છે; વિકટ ક્યમ તેને વદ કહું?

પ્રીતિતત્વો શામ્યાં નવ કદિ ભલે વ્યક્ત બનતાં.

મળ્યા આત્મા છો હો, નવ કદિ સખે તું સ્મરજે;

છૂટ્યાં તે હૈયાંને નવ જરી હવે યાદ કરજે,

જુદા રહેવામાં કે ઉર અખૂટ આનંદ લૂટશે.

સ્મૃતિઘેલા જેવો પ્રિય નવ કદિ તું બની જજે,

મને સંભારી ના મધુર પળ કો ક્લિષ્ટ કરજે;

ભલે તેં કલ્પેલાં મૃદુલ સુખ સૌ યે શમી જતાં,

ગયાં સ્વપ્નો, તો સ્મરણ પણ છો ને શમી જતાં.

સ્રોત

  • પુસ્તક : નવી કવિતા (પૃષ્ઠ ક્રમાંક 75)
  • સંપાદક : મનસુખલાલ ઝવેરી, રમણ વકીલ
  • પ્રકાશક : વોરા એન્ડ કંપની
  • વર્ષ : 1966
  • આવૃત્તિ : 2