sambhare - Sonnet | RekhtaGujarati

સાંભરે

sambhare

ભારતી રાણે ભારતી રાણે
સાંભરે
ભારતી રાણે

(પૃથ્વી)

ફરી ગગન સાંભરે, રસળતી ધરા સાંભરે,

સુગંધ પમરાવતી મહકતી હવા સાંભરે.

પ્રફુલ્લ કુસુમાવલિ દ્રુમદલસ્મિતા મંજરી,

સુરમ્ય ઋતુઓ તણા સુભગ માંડવા સાંભરે.

નિહાર સજતાં જુએ પરણ દર્પણે ચાંદની,

નિખાર છલકાવતી તરલ શર્વરી સાંભરે;

તરંગ-લહરી રચે વલય-વલ્લરી સ્પંદને,

સદા સુખદ સૂર્યની પ્રખર રમ્યતા સાંભરે.

દિગંત લગ વિસ્તર્યાં કળણ ભીંજરી યાદનાં,

પડાવ પળના સ્મરું, વિ-ગત કાફલા સાંભરે.

ગલી સ્મરણની, મુકામ મનના, ઘરો હૂંફનાં,

અમી સ્વજન આંખનાં, વતન ભોમકા સાંભરે.

અતીત મળશે કદી સ્મરણમાં, કદી સ્વપ્નમાં,

વહી સમય સંગ જે સઘન ઘટા સાંભરે.

સ્રોત

  • પુસ્તક : હૃદયલિપિ (પૃષ્ઠ ક્રમાંક 45)
  • સર્જક : ભારતી રાણે
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2016