જો વાંધો ન હોય તો તમને—
jo vaandho na hoy to tamne-
ઉશનસ્
Ushnas

ક્યારેક પત્ર હજીયે લખતાં રહો તો?
એમાં તમારું સુખિયાં! કશુંયે ન જાય;
જે બેક અક્ષરનું ભાગ્ય મળ્યું અમોને—
જે બે ક્ષણો સુધરી અત્ર અમારી જાય;
થોડું ભલે, અમથું આ કણમાંય વર્ષો;
જે બે ટીપાં નસીબમાં અમને મળ્યાં તે—
ના ઊગશે કશુંય જાણું છું—તોય, તોય—
આ બાપડા વગરકારણ હિજરાતા
છો બે કણો જનમના તરસ્યા ભીંજાય;
સૂકા બીડે વરસશો નહીં, જાવ; માત્ર
આવો ફરીથી થઈ ઝાકળ, બેક બુંદ;
છો બેક કંઈ તણખલાં પલળી મૂળોમાં
વર્ષાભ્રમે કુતૂહલાય, ટટાર થાય;
એમાં તમારું સુખિયાં! કશુંયે ન જાય.



સ્રોત
- પુસ્તક : સમસ્ત કવિતા (પૃષ્ઠ ક્રમાંક 454)
- સર્જક : ઉશનસ્
- પ્રકાશક : કવિશ્રી ઉશનસ્ અમૃત મહોત્સવ સન્માન સમિતિ
- વર્ષ : 1996