warshani ek sundar sanjh - Sonnet | RekhtaGujarati

વર્ષાની એક સુંદર સાંઝ

warshani ek sundar sanjh

બલવંતરાય ઠાકોર બલવંતરાય ઠાકોર
વર્ષાની એક સુંદર સાંઝ
બલવંતરાય ઠાકોર

શાંતી! શાંતી! ઝરમર ઝરી ગૈ ગળી વાદળી આ,

અંધારી નીરવપદ ગિરિશ્રંગથી જો ઉડી આ!

ઊંચો દીપે ઘુમટ ફરિથી વ્યોમ કેરો વિશાળો,

જેમાં મુક્તાતુરણ-ભગણે ઓપતી અભ્રમાળો.

બેઠો બેઠો સખિસહિત હૂં માલતીમંડપે ત્યાં

ધારા જોતો, શ્રવણ ભરતો નૃત્યથી બુદબુદોનાં;

ત્યાં ગૈ ધારા, શમિ પણ ગયા બુદબુદો, ને નિહાળ્યા

શૈલો, વચ્ચે સર નભ સમૂં, મસ્તકે અભ્ર તારા.

ને કોરેથી સલિલ ફરક્યું, શુભ્ર ચળક્યું, અને જ્યાં

વૃક્ષો ટીપાં ટપકિ રહ્યાં ડાળિયોનાં ભુમીમાં,

ત્યાં નીલૂ સર લસિ રહ્યું દિવ્ય ઝાંયે રસેલું.

પાછું જોતાં,-ગિરિ પર સુધાનાથ હાસે મધૂરૂં!

‘વ્હાલા, જોયું?’વદિ તું લહિ ત્યાં ચંદ્રને દૃશ્યસાર,

ટૌકો તારો, અલિ, સર ગિરિ વ્યોમ ગુંજ્યો રસાળ! ૧૪

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી સૉનેટ (પૃષ્ઠ ક્રમાંક 5)
  • સંપાદક : ડૉ. મણિલાલ હ. પટેલ, ડૉ. દક્ષેશ ઠાકર
  • પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન
  • વર્ષ : 2000