bhinun samaywan - Sonnet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ભીનું સમયવન

bhinun samaywan

જયન્ત પાઠક જયન્ત પાઠક
ભીનું સમયવન
જયન્ત પાઠક

સ્મરું ભીના ભીના સમયવનની ભીની ક્ષણો:

ગરે પર્ણોમાંથી ટપ ટપ ભીના વાદળકણો,

અને આખો મારો મઘમઘી ઊઠે કોષ મનનો;

હું ભીના રોમાંચે લથપથ, તમારા સ્મરણનો

શિરાઓમાં રસ્તે પ્રસરી વહતો કેફ મયનો;

તમે મારું ભીનું સમયવન, મારી ભીની ક્ષણો.

મીચ્યાં નેણે જોઉં ક્ષિતિજતટ ખુલ્લે સઢ છૂટી

અજાણી કો નૌકા સરતી અનુકૂલ પ્રવહમાં

ભણી મારા, લાવે અહીં લગણ વાતા પવનમાં

ખજાના ખુશ્બૂના, પરિચિત કશી ગીતકડીઓ;

હવામાં આછેરો કળીય શકું ચ્હેરો પરિચિત,

અતીતે હેરેલું અમલ જલ-કન્યા તણું સ્મિત.

હવે સંકેલાતું સકલ મુજ અસ્તિત્વ મનમાં:

હું અર્ધો જીવું છું સ્મરણ મહીં, અર્ધો સપનમાં.

સ્રોત

  • પુસ્તક : વીસમી સદીની ગુજરાતી કાવ્યમુદ્રા (પૃષ્ઠ ક્રમાંક 197)
  • સંપાદક : ચન્દ્રકાન્ત શેઠ, યોગેશ જોષી, હર્ષ બ્રહ્મભટ્ટ, ઊર્મિલા ઠાકર
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2007