ek killane toDi paDato joine - Sonnet | RekhtaGujarati

એક કિલ્લાને તોડી પડાતો જોઈને

ek killane toDi paDato joine

સુન્દરમ્ સુન્દરમ્
એક કિલ્લાને તોડી પડાતો જોઈને
સુન્દરમ્

[૧]

અહીં નથી મુહૂર્ત, મંગલપ્રદીપ ના, ધૂપ ના,

કુંકુમ, પુષ્પ, સ્વસ્તિક નથી, નથી અર્ચના,

પુરોહિત મૌલવી, અહીં મંગલપ્રાર્થી કો,

શિલ્પગુરુ કો, નથી અગણ સંધ તજ્જ્ઞો તણેા,

નહીં બૃહદ ચેાજના, ઢગ નહીં સરંજામના.

અહો બદનસીબ કોટ! તુજ આજ ઉત્ખાતને

સમે અહીં નથી કોઈ કશું જે હતુ હ્યાં તદા

યદા પ્રથમ તારી ઈંટ અહિંયાં મુકાઈ મુદા.

મજૂર અહીં સો પચાસ ઘણ કોશ કોદાળી લૈ

મથે, પરમ જીર્ણ તો હજી વક્ષ તારે દઢે ૧૦

ઝીંકે સતત ઘા ઉસાસભર ખિન્ન અંગાંગમાં.

જરા ખણણ, ધૂળગોટ, ગબડે તુટેલી ઇંટો,

અને ઢગ બની ઢળે યુગયુગો ઉભેલી કથા;

પસાર સહુ થાય હ્યાંથી, નહિ આજ કોને વ્યથા!

[ર]

વ્યથા અહીં નથી, તથા તવ નથી હવાં કોઈનેઃ

પુરાતન સમે ભલે તવ પ્રશસ્ત કાયા પરે

ઠર્યાં અયુત નેણ ને અયુત અંતરોની દુવા,

નિહાળી તુજ દુર્ગ-રૂપ જન શ્વસ્ત સૌ પોઢતાં.

પુરાતન સમે ભલે અચળ દીર્ઘ દુર્ધર્ષ તું,

ખડો અરિદળેાની સંમુખ અભેદ્ય ઉત્તુંગ તું, ર૦

બની કમઠ-ઢાલ વજ્જર વિદારી પાછાં કર્યાં,

પ્રરક્ષક તું ચંડ નગરશ્રી તણો દિગ્ગજ!

હવાં નથી તું, દુર્ગ! દુર્ગમ,અભેદ્ય,ઉત્તુંગ ના;

તને ટપી જતાં અહીં ત્રણ બદામનાં મ્હેલડાં,

ઝટોઝટ ઉંચાં ઉંચાં શિર કરી વિહાસે તને,

ખણે શુકર શ્વાન ગદર્ભ લલાટ તારું ખરે.

શી ચંચલ દશા! કશી ન'તી કરામતેાની કમી,

કૃતાંત તણી કૂચને પણ શકી એકે ક્રમી.

[૩]

અતિક્રમી શકયું નહીં કદમ કાળનાં કોઈ, સૌ

અનુક્રમી રહ્યું કૃતાંત-પગલી, પૃથુ પંથ પે ૩૦

ધરા-રથ ધસે, હવાં બૃહદ ઉચ્ચ અભ્રંકષ

બને ક્ષણ પછી લઘુ અવચ ને ધરાશાયી તે.

અહો સફર શી અપૂર્વ, અતિકાય હે દુર્ગ, તેં

નિહાળી નજરે મનુષ્ય લઘુકાયની, વામણો

ધરા ઉપર શું ટગૂમગુ પળંત જંતુ સમો

ધસે ગગન આંબતો ગરુડ, માતરિશ્વા શું વા!

હવે અચળ દુર્ગના દિન ગયા, ગયા તે દિનો

ચઢી બુરજગોખ ધૂમ ઘમસાણના ખેલના,

ગયા ભુજમળો તણા, પ્રખર દ્વંદ્રના, ટેકના.

હવે અસિ ન, અશ્વ, ચાપ, નહિ તોપ બંદૂક, ના ૪૦

કશું અહીં કામયાબ, તહીં જીર્ણ ને વૃદ્ધ હે,

તને નહિ નભાવશે જગ જિગીષણા-ક્ષુબ્ધ આ!

[૪]

જિગીષુ જગ ક્ષુબ્ધ આજ, નહિ પાજ એકે કયહીં,

અફાટ મદ-ક્ષોભ-સાગર વિષે નૌકા કયહીં,

યુગોયુગ ટકી તું અંતર ટકાવી રાખ્યે ગયો,

હવે તું તુટે, પછી કશું એવું જે ના તુટે?

મથી મથી મનુષ્યજાત રચી દુર્ગ તું શા શકી,

ખરે, પણ ત્યહીં આશ ટકવાની ના ના ટકી.

થતા સુગમ દુર્ગ, દુર્ગ-રચના હવે ક્યાં હવી?

જળો મહીં, હવા મહીં, ગગન માંહિ, અંત્રિક્ષમાં? પ૦

અહો ધસમસે મનુષ્ય-ઉરની જિગીષા-ક્ષુધા,

રચે અશનિ-શસ્ત્ર-અસ્ર દુરજેય અન્યોન્યથી;

પ્રચંડ પણ હાથ હેઠ પડતા, ઉરો થંભતાં,

અજેય કંઈ આજ તે અતિ સુજેય કાલે થતું.

જયાજય તણાં અહા વિકૃત ઘોર દંગલો,

બધા જય પરાજયો, સકળ મંગલો જંગલેા.

[પ]

બધા જય પરાજયો? સકળ મંગલેા જંગલ?

નહીં. જહીં લગી હજી પરમ સત્ય ના જીતશે,

તહીં લગ અહીં અઘોર ઘમસાણ રહેશે મચી,

અને ધરતી હા સદા રુધિર-પંક રહેશે પચી. ૬૦

તું યે અડગ દુર્ગ આજ ડગતો, ડગાવે તને

ક્યું પરમ સત્ય? શું, અચળ દુર્ગ તો તે જે

રચાય મનુ-અંતરે વિમલ સત્ય-સંધાનનો,

સમસ્ત જગને અમોઘ પ્રણયેથી સંરક્ષતો?

સુદૂર અહ સ્વપ્ન! રમ્ય અભિરામ માંગલ્ય શું!

ઉડે ઉડતી ધૂળમાં મધુર ઝાંય ભાવિની.

તું ખરતી કાંકરી મહીં હરે નિરાશા બધી,

અને ચડતી આશ ઊર્ધ્વ ગગને સુદુર્ગા બની.

ભલે અહીં ધૂપ દીપ ફુલમાળ, ના અર્ચના,

છતાં અહી ધુળેટીમાં નવવસંત-આરાધના. ૭૦

(જૂન, ૧૯૪૦)

સ્રોત

  • પુસ્તક : યાત્રા (પૃષ્ઠ ક્રમાંક 71)
  • સર્જક : સુન્દરમ્
  • પ્રકાશક : આર. આર. શેઠની કંપની
  • વર્ષ : 1951