Rees - Sonnet | RekhtaGujarati

તમે આવ્યા મારે નગર, ઘરને આંગણ પિયા,

અને મેં મૂર્ખીએ રીસની રગમાં શબ્દ સરખો

કહ્યોના પ્રીતિનો, ખબર સહુની જેમ પૂછી;

તમે ચાલ્યા, સૌની જ્યમ દઈ દીધી મેં પણ વિદા.

ક્ષમા, વ્હાલા મારી રીસનું કંઈયે કારણ ન'તું,

સ્વભાવે તીખી તે જરી જરીમાં વાંકું પડતું;

હવે હૈયું તે નથી વશ મને–સાચું કહું છું,

છતાં વ્હાલા, મારા મનની કહી દૌં વાત તમને?

તમે પાસે આવી રીસનું હત જો કારણ પૂછ્યું;

બધાંથી સંતાડવું નયનનીર જો હોત લૂછ્યું

તમારા રૂમાલે, લગીર ભજી એકાન્ત, ટપલી

ધીમે મારી ગાલે કહ્યું હત : અરે ચાલ પગલી

હું લેવા આવ્યો છું, નીકળ ઝટ છોડી ઘર-ગલી–

સજીને બેઠી'તી; તરત પડી હું હોત નીકળી.

સ્રોત

  • પુસ્તક : વગડાનો શ્વાસ (પૃષ્ઠ ક્રમાંક 73)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 1978