pratham relo - Sonnet | RekhtaGujarati

પ્રથમ રેલો

pratham relo

ઉશનસ્ ઉશનસ્
પ્રથમ રેલો
ઉશનસ્

પ્રથમા પ્રથમા વૃષ્ટિ, હૃષ્ટિ! ઝીણું જલપ્રોક્ષણ!

તરસી ક્ષિતિ લાખ્ખો છિદ્રોની વિકાસી નળીનળી

નિજ ગહનમાં લેતી ચૂસી ઊંડા સિસકારથી!

જળ ગગનથી છંટાયું જે તપ્યાં પતરાં પરે

જરી છણછણી આવ્યું તેવું ઊડી ગયું નભે!

પ્રથમ પ્રથમા વૃષ્ટિ ભૂની અળાઈ છાંટી ગૈ!

મશક બીજીએ જ્યાં છંટાયાં ધરા ઘરછાપરાં,

પ્રથમ ટપક્યાં નેવાં! મોતીતણું તૂટ્યું તોરણ

લટકી લટકીને થોડું; નીચે ભીનું કરી લીંપણ,

ભીંજવી પરસાળો, રસ્તાની ભીંજાવત ધૂળને.

જીરણ ક્ષિતિની મુદ્રા ધોતો, વહંત જૂના મળો,

તસુ તસુ સૂંઘી પૃથ્વી, જોતો પૂંઠે લઈ આમળો,

અનુગ જળપેઢીને માટે નવા પથ આંકતો

નવલ જળનો પ્હેલો રેલો શેરી વચે થઈ નીકળ્યો.

નવલ જળનો પ્હેલો રેલો શેરી વચે થઈ નીકળ્યો,

જળ ધડકિયું થોડું, થોડી ધીમી થઈ રે ગતિ;

જલધિ તણી કો આછી-આવી ગઈ ચમકી સ્મૃતિ,

મલિન જળમાં નીલો નીલો સમંદર ઓગળ્યો!

ઉદધિ સુધી પ્હોંચાશે? હશે દૂર કેટલે?

અતટ અતલાં કેવાં હોશે સનાતન જળો!

પથ મળી જશે પાસેની કો નદી છીછરાં જળે?

શ્રવણવિવરોમાં જાગી ગૈ સ્ખલજ્જલ કલ્કલો.

ક્યહીં સુધી જવું ભાગ્યે મારે લલાટ લખ્યું હશે?

રણ શી ભૂખરી ભાગોળે ધૂલિ શું જશે ગળી?

તરસી સીમની વા કો સુક્કી તલાવડી પી જશે?

અવર ગલીધી જાયે જો કો પ્રવાહ બીજો મળી!

ઘૂમરી ફરીને ઘોળી પીતો બધી અશી ફિકરો

મલિન ફીણને છોગે રેલો શેરી વચે થઈ નીકળ્યો...

રસપ્રદ તથ્યો

(16-6-63)

સ્રોત

  • પુસ્તક : ઉશનસ્ સમસ્ત કવિતા (પૃષ્ઠ ક્રમાંક 260)
  • સર્જક : ઉશનસ્
  • પ્રકાશક : કવિશ્રી ઉશનસ્ અમૃત મહોત્સવ સન્માન સમિતિ
  • વર્ષ : 1996