paraspar parokshey - Sonnet | RekhtaGujarati

પરસ્પર પરોક્ષેય

paraspar parokshey

ઉશનસ્ ઉશનસ્
પરસ્પર પરોક્ષેય
ઉશનસ્

૧. પુરુષ

મળ્યાં છેલ્લાં તેને પણ સમય ઝાઝો થઈ ગયો,

પછી તો ગંગામાં પણ જળ ગયું કેટલું વહી,

હવે પાછાં કાઢી ફુરસદ તણો કાળ ઘડીક

તમે આવો આણી તરફ કંઈ બ્હાનેય નીકળી;

તમોને આવું કૈં નથી થતું પ્રિયે! કે બહુ સમો

ગયો છે વીતી ને નથી મળી શક્યાં, પત્ર લખ્યો;

અને તો મારા વગર રહી ના સ્હેજ શકતો,

વિતાવ્યો એણે સમય સઘળો શી રીત હશે?

પ્રિયે! કે જાદુગર સમયની વિસ્મૃતિ-પીંછી

તમોનેયે સ્પર્શી ગઈ જ? ભૂંસી નાખ્યો ભૂત બધો?

પડ્યાં વા એવા કો સુખ મહીં? ભલે, ભૂલી જજો,

ભુલાઈ હું જાઉં અતલ-બસ-એવું સુખ હજો;

શુભેચ્છા; તો ના’વો-અહીં અટકું છું-એ ઉચિત

લઉં ખેંચી આમંત્રણની સહ આખોય અતીત.

ર. સ્ત્રી

બપોરી વેળા છે, દૃગ મળી ગયાં છે દિવસનાં

જરી થાકે, ઘેને; મુજ ઘરની સામે લીમડા-

નીચે શેરી વચ્ચે પ્રહર વિરમ્યો છે ક્ષણભર,

છૂટ્યાં છે ગાડાંઓ શ્રમિત તરુછાયાતલ અને

ધુરાથી છૂટેલા બળદ અરધાં નેન મીંચીને

પૂળાનો વાગોળે કવલ સુખની કો સ્મૃતિ સહ;

સખી, ઑફિસે પણ અવ ગયા ખાઈ કરીને,

(પ્રભુ! મારું હેવાતન અમર રહો રહો કુશલ એ;)

ગયું આટોપાઈ ઘરનું સઘળું કાર્ય, ઘરનું

રસોડું ધોવાઈ લગભગ સુકાયું-હું નવરી

સખી, વેળાએ સહજ ક્ષણ જો ચિત્ત નિજની

ધુરા છોડી--થોડું હળવું થઈને જાય ઊતરી

અતીતે, આઘેના સ્થળ મહીં, બીજા એક જણની

સ્મૃતિનો વાગોળે કવલ, પૂછું: પાપ હશે?

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી સૉનેટ (પૃષ્ઠ ક્રમાંક 51)
  • સંપાદક : ડૉ. મણિલાલ હ. પટેલ, ડૉ. દક્ષેશ ઠાકર
  • પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન
  • વર્ષ : 2000