karyo prnay? - Sonnet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

કર્યો પ્રણય?

karyo prnay?

સુન્દરમ્ સુન્દરમ્
કર્યો પ્રણય?
સુન્દરમ્

કર્યો તે કેવો પ્રણયઃ નહિ કો જખ્મ થયો

કો આંધી કેરાં દળ ધસમસ્યાં, ના પવનના

ઝપાટે ઊંચેરાં તરુવર ધરાશાયી બનિયાં,

કૈં ભાગ્યુંતૂટ્યું, અદબદ બધું: પ્રણય શો!

હશે આવો તે શું પ્રણય? નહિ જ્યાં કો અવનવી

મહા ઊર્મિ જાગી, અવનિતલથી પાર જગની

ધસી લીલા આવી, અકલતમ ઉન્માદ ભરતી,

બધી જૂની સૃષ્ટિ ભસમ કરી કો નવ્ય રચતી?

કૃપા મોટી તેને શિર ઊતરી, જેને પ્રણયના

ટકોરા આવ્યા ને ફટ દઈ ઉઘાડી સદનનાં

બધાં દ્વારો જેણે સ્મિતસભર નેત્રે પુલકીને

લીધો તે સત્કારી અતિથિ નિજ અંતઃપુર વિષે.

ભમે છે ઘેલૂડો પ્રણય, જગમાં ક્યાંય ઘર ના,

હજી એનું? એનું અટન વિરમે ક્યાં? ખબર ના.

(ર-૧-૧૯૭૧)

સ્રોત

  • પુસ્તક : વરદા (પૃષ્ઠ ક્રમાંક 140)
  • સર્જક : સુન્દરમ્
  • પ્રકાશક : આર. આર. શેઠની કંપની
  • વર્ષ : 1990