Tame Aavo To... - Sonnet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

તમે આવો તો...

Tame Aavo To...

રમણ સોની રમણ સોની
તમે આવો તો...
રમણ સોની

તમારી વાતોનાં મૃગજળમહીં પંખી તરતાં

અમારી આંખોનાં, હળુહળુ વહે વાયુ સ્મિતનો;

પ્રતિબિંબાયેલાં ઉષઃકિરણો, સાન્ધ્યસુરખી

ઝીલી લે શ્રદ્ધાનાં કમલ સુરખી થૈ પ્રગટતાં...

અને આવર્તો શા ઊઠત ટપકંતી સુખવ્યથા-

તણા! આખુંયે હૃદય ભીની માટી સમ મુજ...

તમારી વાતોનાં સ્મરણમહીં ગર્જે રણ હવે...

કશો વંટોળાતો સમય, ક્ષિતિજો ના ઊકલતી.

વીતેલા શબ્દોના ઊભરી ઊઠતા રેતઢગલા-

મહીં શા'મૃગો-શી મુજ તરલ દૃષ્ટિ ખૂંપી જતી;

અને ત્યાં ઊંટોનાં ગભીર પગલે સૂર્ય પ્રજળે

વહેલી વાતોની અસર સમ પ્રસ્વેદ ચૂસતો...

તમારી વાતોની તરસ રૂંધતી કંઠ. તલસું :

તમે આવો તો મૃગજળમહીં પદ્મ પ્રગટે...

સ્રોત

  • પુસ્તક : કવિલોક - મે-જૂન ૧૯૭૦ (પૃષ્ઠ ક્રમાંક 60)
  • સંપાદક : રાજેન્દ્ર શાહ, બચુભાઈ રાવત