રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરો
શમણાં
Shamna
જયન્ત પાઠક
Jayant Pathak
તમે ક્યાંથી મારે નગર, ઘરને આંગણ પ્રિયા!
બપોરી વેળાનું અલસ શમણું તો નથી તમે!
-મને એવા એવા બહુ અનુભવો થાય હમણાં-
હું સૂતી હોઉં ને અરવ પગલે-હોય ન હવા!-
તમે આવો શય્યા મહીં, વદન મારે ઝૂકી રહો;
હું જાગી જાઉં ને ચમકી લહું ઓષ્ઠદ્વય ભીના!
સવારે જ્યાં વાળું ઘર, અહીંતહીં જોઉં પગલાં
તમારાં ને થંભી જઉં ક્ષણ, પડું પાય વળગી;
છુપાવું લજ્જાને અમથું અમથું ગીત ગગણી!
જમું ને ઓચિંતા કવલ સરી જાયે કર થકી;
બધાંની આંખોથી જ્યમત્યમ કરી જાઉં સરકી;
ફરે પાછી ભીની નજર નીરખી બંધ ખડકી.
મને સાચાં-માચાં સુખ પણ હવે ભ્રાન્તિ, શમણાં;
પ્રતીતિ દો ચૂમી અધર, ભુજમાં ભીડી હમણાં.
(૭-૫-૧૯૭૦)
સ્રોત
- પુસ્તક : ગુજરાતી સૉનેટ (પૃષ્ઠ ક્રમાંક 58)
- સંપાદક : ડૉ. મણિલાલ હ. પટેલ, ડૉ. દક્ષેશ ઠાકર
- પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન
- વર્ષ : 2000