મળી ન્હોતી જ્યારે–
malii nhotii jyare
ઉમાશંકર જોશી
Umashankar Joshi

મળી ન્હોતી ત્યારે તુજ કરી હતી ખોજ કશી મેં?
ભમ્યો’તો કાન્તારે, કલરવ કરંતાં ઝરણને
તટે ઘૂમ્યો, ખૂંદ્યો ગિરિવર તણો સ્કંધપટ, ને
દ્રુમે ડાળે ડાળે કીધ નજર માળે ખગ તણા.
મળી ન્હોતી જ્યારે દિવસભરની જાગૃતિ મહીં,
મળી’તી સ્વપ્નોમાં મદિલ મિલનોની સુરભિથી.
સુગંધે પ્રેરાયો દિનભર રહ્યો શોધ મહીં, ને
દિવાસ્વપ્ને ઝાંખી કદી કદી થતાં થાક ન લહ્યો.
મળી અંતે સ્વપ્નો સકલ થકીયે સ્વપ્નમય જે.
મળી આશાઓની ક્ષિતિજ થકીયે પારની સુધા.
સૂની આયુર્નૌકા મુજ ઝૂલતી’તી અસ્થિર જલે,
સુકાને જૈ જોતી મળી જગતઝંઝાનિલ મહીં.
મળી ન્હોતી ત્યારે, પ્રિય, જલથલે ખોજી તુજને
રહું શોધી આજે તુજ મહીં પદાર્થો સકલ એ.
(૨૫–૧૧–૧૯૩૭)



સ્રોત
- પુસ્તક : સમગ્ર કવિતા (પૃષ્ઠ ક્રમાંક 146)
- સર્જક : ઉમાશંકર જોશી
- પ્રકાશક : ગંગોત્રી ટ્રસ્ટ, અમદાવાદ
- વર્ષ : 1981
- આવૃત્તિ : દ્વિતીય આવૃત્તિ